આમલાખાડી બ્રિજ જર્જરિત અને સાંકડો:અંકલેશ્વર નેશનલ હાઇવે પર 3 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, વાહનચાલકો પરેશાન
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રિજની જર્જરિત અવસ્થા અને સાંકડી રચનાને કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. આજે સવારે ભરૂચથી સુરત તરફના માર્ગ પર વાહનોની કતાર 3 કિલોમીટર સુધી લંબાઈ હતી, જેના કારણે હજારો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અંકલેશ્વર વિસ્તારમાં મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે. ખાસ કરીને વાલિયા ચોકડી નજીક આવેલો આમલાખાડીનો બ્રિજ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે. બ્રિજની સાંકડી રચનાને કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવું પડે છે, જે ટ્રાફિકજામનું મુખ્ય કારણ બની રહ્યું છે.
સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન આ સમસ્યા વધુ વકરે છે. સ્થાનિક વાહનચાલકો અને નાગરિકોની માંગ છે કે સરકાર આ બ્રિજને તાત્કાલિક પહોળો કરાવે અને મજબૂત બનાવે, જેથી રોજિંદા ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તি મળે. આ માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવરજવર થતી હોવાથી આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું આવશ્યક બની ગયું છે.