BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આમોદનો હાઈવે ખરાબ,​ ૨૫ વર્ષની ગેરંટીનું સુરસુરિયું, કોંગ્રેસ લાલઘૂમ! સરકારને બેનરો સાથે ઘેરી, અધિકારીઓ દોડતા થયા!

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ની અતિશય બિસ્માર હાલત સામે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષને વાચા આપવા માટે કોંગ્રેસે આજે આમોદ ચાર રસ્તા પર ઉગ્ર ચક્કાજામ અને દેખાવો યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અને અન્ય કોંગ્રેસી કાર્યકરોએ કર્યું હતું.

આંદોલનકારીઓએ “૨૫ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં જ વિખરાઈ ગઈ” જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસી કાર્યકરોનો આરોપ છે કે રોડના નિર્માણ સમયે સરકાર દ્વારા લાંબી ગેરંટી આપવામાં આવી હતી, પરંતુ ચોમાસાના માત્ર થોડા જ મહિનાઓમાં રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સામાન્ય જનતા અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ બિસ્માર રોડને કારણે પાંચ અકસ્માતો થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી લોકોમાં આક્રોશ વધુ વધ્યો છે. સ્થાનિક રિક્ષાચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ખરાબ રોડને કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષે સક્રિયતા દાખવી. પાર્ટીના આગેવાનોએ સામાન્ય પ્રજા અને રિક્ષાચાલકોની વેદનાને સમજવા માટે તેમની સાથે વાતચીત કરી, અને ત્યાર બાદ આ મુદ્દાને તંત્ર સમક્ષ ઉગ્રતાથી રજૂ કરવાનો નિર્ણય લીધો. કોંગ્રેસે આ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન દ્વારા સાબિત કર્યું કે તેઓ માત્ર ચૂંટણી પૂરતા જ નહીં, પરંતુ લોકોના દૈનિક જીવનને સ્પર્શતા મુદ્દાઓ પર પણ સક્રિય છે. આ દેખાવો એ વાતનો પુરાવો છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ જનતાના અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

પોલીસ કાર્યવાહી બાદ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડનું કામ શરૂ ન થાય ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો. નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવશે તો તેઓ પોતે ધારાસભ્ય અને કાર્યકરો સાથે વાજતે ગાજતે અધિકારીઓનું સન્માન કરવા જશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી માર્ગ અને મકાન વિભાગના અધિકારી લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી તેઓ પોતાનો ઉપવાસ ચાલુ રાખશે. આખરે, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ પોલીસ મથકે આવીને કોંગ્રેસના આગેવાનોને ખાતરી આપી કે રોડનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે હાલમાં છ ડમ્પર ગાડીઓ દ્વારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને જો જરૂર પડશે તો વધુ ગાડીઓ પણ લાવવામાં આવશે. અધિકારીઓની લેખિત ખાતરી બાદ, આમોદ પોલીસ, નાયબ પોલીસ અધિક્ષક અને કલેક્ટરની મધ્યસ્થીથી કોંગ્રેસના નેતાઓએ ઉપવાસનો અંત આણ્યો હતો. નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને કેતન મકવાણાએ ઉપવાસ છોડી પારણા કર્યા હતા, અને આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાએ બિસ્માર રોડના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે, અને સ્થાનિક પ્રજાની વેદનાઓને ઉજાગર કરી છે.

આ મુદ્દે સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે સરકાર વિકાસના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ સામાન્ય નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. રિક્ષાચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે આ ભંગાર રોડના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, કારણ કે વારંવાર વાહનોનું સમારકામ કરાવવું પડે છે. તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે, અને જાણે સત્તાધારી પક્ષને લોકોના જીવની કોઈ પરવા જ ન હોય તેવું ચિત્ર ઊભું થયું છે. આ પરિસ્થિતિ સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નારાની પોકળતા છતી કરે છે, જ્યાં વિકાસ માત્ર કાગળ પર જ સીમિત રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કોંગ્રેસના આ સફળ આંદોલનને કારણે માત્ર રોડનું સમારકામ જ શરૂ થયું નથી, પરંતુ લોકોનો પક્ષ પ્રત્યેનો વિશ્વાસ પણ વધ્યો છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ કોંગ્રેસના આ પ્રયાસની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે આવા સમયે જ્યારે સત્તાધારી પક્ષ પ્રજાની વેદના પ્રત્યે આંખ આડા કાન કરે છે, ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસે જનતાના હિતમાં ઉભા રહી સાચા લોકસેવકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે સક્રિય વિપક્ષ લોકશાહીનું એક મજબૂત આધારસ્તંભ છે.

Back to top button
error: Content is protected !!