આણંદમાં CSR ફંડના ઉપયોગ માટે નવતર પહેલ:વિકાસ કાર્યોને વેગ આપવા ચર્ચા

આણંદમાં CSR ફંડના ઉપયોગ માટે નવતર પહેલ:વિકાસ કાર્યોને વેગ આપવા ચર્ચા
તાહિર મેમણ – આણંદ – 28/01/2025 – આણંદ જિલ્લામાં વિકાસ કાર્યોને નવો વેગ આપવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પ્રિ-કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ અને જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ડિસ્ટ્રીક્ટ ઈન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ 2025નો એજન્ડા રજૂ કરવામાં આવ્યો, જેમાં આરોગ્ય વિભાગ અને ICDS વિભાગે તેમની જરૂરિયાતો અંગે પ્રેઝન્ટેશન આપ્યું. કલેકટર પ્રવીણ ચૌધરીએ કંપનીઓને તેમના CSR ફંડનો ઉપયોગ જિલ્લાના વિકાસ માટે કરવા અનુરોધ કર્યો અને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને કુપોષણ જેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાએ શહેરના વિકાસમાં ઉદ્યોગગૃહોની ભાગીદારી વધારવા અપીલ કરી અને આગામી નાણાકીય વર્ષ માટે CSR ફંડનું આયોજન કરવા સૂચન કર્યું. કંપનીઓના પ્રતિનિધિઓએ આ પહેલને આવકારી અને જિલ્લા પ્રશાસન સાથે મળીને કામ કરવાની તત્પરતા દર્શાવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.વી. દેસાઈ, નિવાસી અધિક કલેકટર આર.એસ. દેસાઈ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રિ-કોન્ફરન્સ આણંદ જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ હતી, જે પ્રશાસન અને ઉદ્યોગ જગત વચ્ચે સેતુ બનીને વિકાસ કાર્યોને વેગ આપશે.





