AMRELIRAJULA

રાજુલામાં મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલામાં મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

રાજુલા શહેરના શાહ ગોરાવાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા અને મુખ્ય સિપાહી સમાજના સંયુક્ત ઉપક્રમે મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમાજના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવો, યુવાનો અને યુવતીઓને પ્રગતિશીલ બનવા માટે પ્રેરિત કરવું તથા સંઘર્ષની સાથે સફળતા મેળવવા માટે ઉત્સાહિત કરવું એ મુખ્ય હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજના તેજસ્વી તારલાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરિક્ષામાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ, ઉચ્ચ ડિગ્રી કે અભ્યાસ પૂર્ણ કરનાર યુવાનો અને યુવતીઓ, તેમજ સરકારી વિભાગમાં પ્રમોશન મેળવનાર સમાજના સભ્યોનો સન્માન કરવામાં આવ્યો હતો. આ સન્માન દ્વારા સમાજના બાળકોને અભ્યાસ તરફ આગળ વધવાની પ્રેરણા મળે, તેઓ મોબાઇલ અને નકામી પ્રવૃત્તિઓથી દૂર રહી અભ્યાસને પ્રથમ સ્થાન આપે અને પોતાના લક્ષ્યો સુધી પહોંચે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી અખિલ ગુજરાત સિપાહી સમાજ પ્રમુખ સલીમભાઈ કુરેશી, રફિકભાઈ ચોહાણ, સમીરભાઈ કુરેશી, સાવરકુંડલા થી અલીભાઈ ઝાંખરા, ઈકબાલભાઈ ગોરી, પિન્ટુભાઈ મલેક, મહુવા થી સિપાહી સમાજ પ્રમુખ નઝીરભાઈ મલેક, ડુંગરથી રઝાકભાઈ ગાહા અને અબ્દુલભાઈ ગાહા, રાજુલા શિયા ખોજા સમાજ પ્રમુખ આશિકભાઈ મુનિ તથા ખોજા જમાતના સભ્યો, ખાના ખોજા સમાજના મુખી સાહેબ તથા નિઝારભાઈ ડોસાણી, ગુરુકુળ પ્રિન્સીપાલ રમેશભાઈ, નગરપાલિકા સભ્ય અક્ષયભાઈ રાજુભાઈ ઝાખરા, રાજુલા પૂર્વ ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, ઘેલા ભાઈ, અજયભાઈ ગોહિલ, વોહરા સમાજના કુતુબભાઈ કપાસી તથા મુર્તઝાભાઈ, તેમજ ઘાંચી સમાજ પ્રમુખ મમદભાઈ ભોકીયા અને ઘાંચી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આયોજક તરીકે મુખ્ય સિપાહી સમાજ અને રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજે આગવી ભૂમિકા ભજવી હતી. આયોજન સમિતિમાં આરીફભાઈ જોખિયા (સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ), ઇરફાનભાઈ ગોરી (સિપાહી સમાજ પ્રમુખ), રસૂલભાઈ કુરેશી (સિપાહી સમાજ ઉપપ્રમુખ), મોહસીનભાઈ પઠાણ સહિતના કાર્યકર્તાઓએ ભારે મહેનત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સમાજના યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ જ સાચો હથિયાર છે અને સમાજને આગળ ધપાવવા માટે યુવાનોને અભ્યાસમાં આગવી ઓળખ ઉભી કરવી જરૂરી છે.

સન્માનિત વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ગૌરવ તથા ઉત્સાહની લાગણી ઝળહળતી જોવા મળી હતી. સમાજના આગેવાનો દ્વારા પ્રોત્સાહિત થતા તેમના માતા-પિતા માટે પણ આ ક્ષણ ગર્વજનક બની રહી હતી. કાર્યક્રમમાં હાજર સૌએ એકમતથી એવો સંકલ્પ વ્યક્ત કર્યો કે સમાજના દરેક બાળકને શિક્ષણની તક મળે અને તે પોતાના જીવનમાં સફળતા હાંસલ કરે તે માટે સહકાર અને માર્ગદર્શન આપવાનું રહેશે.

આ કાર્યક્રમ માત્ર એક સન્માન સમારોહ પુરતો મર્યાદિત નહોતો પરંતુ સમાજના ભવિષ્યના દિશા અને દ્રષ્ટિકોણને ઉજાગર કરતો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધે છે, યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે અને એકબીજાથી પ્રેરણા લઈ વધુ ઊંચાઈ સર કરવાનો જુસ્સો વિકસે છે.

Back to top button
error: Content is protected !!