
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ ઓગસ્ટ : કચ્છની દરિયાઈ સરહદે લખપત તાલુકાના કોટેશ્વર નજીક કુંડીબેટ નજીક ડ્રગના એક-એક કિલોના ૨૦ પેકેટસ ભરેલા બે કોથળાં મળી આવતાં એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નેવી અને બી.એસ.એફ.ના પેટ્રોલિંગ દરમિયાન અફઘાન પ્રોડક્ટના ડ્રગ્સના પેકેટ્સ મળ્યાં છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કરોડોની થવા જાય છે. નારાયણ સરોવર પોલીસને આ ડ્રગ્સના કોથળા અપાશે તે પછી ખરેખર કેટલા વજન અને કિંમતનો જથ્થો મળ્યો છે તે સ્પષ્ટ થશે.નેવી અને બી.એસ.એફના પેટ્રોલિંગ દરમિયાન કુંડ ીબેટ વિસ્તારમાં ડ્રગ્સના બે કોથળા બિનવારસી મળી આવ્યા હતા. આ બંને કોથળામાં કરોડો રૂપિયાની કિંમતનું ૨૦ પેકેટ એટલે કે ૨૦-૨૫ કિલો જેટલું અફઘાની પ્રોડક્ટનું ડ્રગ્સ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. જો કે તેમાં હેરોઇન છે કે ચરસ છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પેકેટો અગાઉ ઝડપાયેલા પૈકીના હોવાનું જાણવા મળે છે. સામે પારથી દરિયામાં વહાવી દેવાયેલાં આ પેકેટો આ વખતે કચ્છના કોટેશ્વર નજીક દરિયાકાંઠે તણાઈ આવ્યાં છે. કોટેશ્વરથી માંડવી સુધીના દરિયાઇ વિસ્તારમાં અગાઉ પણ મોટી માત્રામાં ડ્રગ્સના પેકેટસ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. ડ્રગ્સના પેકેટ્સ મળ્યાં પછી કચ્છના દરિયાકાંઠે એજન્સીઓ દ્વારા હાલ સર્ચ ઓપરેશન યથાવત રહેવા પામ્યું છે. સફેદ રંગના બે પ્લાસ્ટિકના થેલામાં અંદાજીત ૨૦ પેકેટ હોવાની પ્રાથમિક વિગતો છે. નારાયણ સરોવર પોલીસને આ પેકેટો સોંપવામાં આવશે. હાલમાં તમામ એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે.૧૫ મેથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયાઈ વિસ્તારમાં પવનનો કરન્ટ વધુ હોય છે અને માછીમારી બંધ હોય છે. આ સમયગાળામાં ડ્રગ્સમાફિયા સ્ટીમરમાંથી મધદરિયે નિશ્ચિત સ્થળેથી ડ્રગ્સના પેકેટ્સ દરિયામાં નાંખે છે. આ પેકેટ્સ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે અમુક નિશ્ચિત કાંઠા ઉપર પહોંચે છે. આંચકાજનક અને આશ્ચર્ય સર્જતી બાબત એ છે કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના વિશાળ દરિયાકાંઠે નિશ્ચિત વિસ્તારમાં ડ્રગ્સ પહોંચે છે. જો કે, આ વિસ્તારમાં પણ ૫૦થી ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં શોધવા પડે તેવા હોય છે. દરિયો સામાન્ય બને અને માછીમારી શરૂ થતાં અવરજવર શરૂ થાય ત્યારે ડ્રગ્સ સિન્ડીકેટના સ્થાનિક મળતિયાં ડ્રગ્સના પેકેટ્સ શોધીને નિશ્ચિત વ્યક્તિઓને પહોંચતાં કરે છે. ચાલુ વર્ષે જ ગુજરાતમાં આ પ્રકારે કરોડોનું ડ્રગ્સ વહેતું કરાયું અને પકડાયું છે. આ પધ્ધતિએ ડ્રગ્સની ઘૂસણખોરીનું નેટવર્ક હજુ સુધી ભેદી શકાયું નથી.




