
યોગેશ કાનાબાર રાજુલા
*રાજુલા આઇ.ટી.આઈ. ના નવયુવાન તાલીમાર્થી વિજય ટાંકની*
*ઉદ્યોગ સાહસિક બનવા સુધીની સફર : સી.એન.સી. લેસર*
*કટિંગ ઉદ્યોગ સ્થાપી પોતાનું સપનું પૂર્ણ કર્યું*
*—*
*આઇ.ટી.આઇ. ફિટર ટ્રેડની તાલીમ મેળવી શ્રી વિજય ટાંકે કંપનીને*
*વાર્ષિક રુ.૭૦ લાખનું ટર્નઓવર સુધી પહોંચાડી સફળતાના શિખરો સર કર્યા*
*—*
*અમરેલી, તા.૨૩ જૂન, ૨૦૨૫ (સોમવાર)* ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) એ તાલીમાર્થીઓ માટે ઉમદા ભવિષ્યના નિર્માણમાં પથદર્શક સાબિત થાય છે. ઉમેદવારોને તાલીમ બાદ સુંદર ભવિષ્ય નિર્માણ કરવામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું મહત્વનું યોગદાન છે.
રાજુલાના વતની શ્રી વિજય હરેશભાઈ ટાંકે, અમરેલી જિલ્લાની રાજુલા આઈ.ટી.આઈ. ખાતે આઇ.ટી.આઇ. ફિટર ટ્રેડની તાલીમ મેળવી હતી, તેમણે બે વર્ષનો આ અભ્યાસ કરીને ઉદ્યોગ સાહસિક બનવા સુધીની સાહસિક અને રોમાંચક સફર ખેડી અનેક યુવાઓ માટે પ્રેરણારુપ માર્ગ કંડાર્યો છે.
નવયુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત શ્રી વિજય ટાંકે વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૧૮ સુધી સંસ્થા ખાતે ફિટર ટ્રેડમાં તાલીમ મેળવી હતી. આઇ.ટી.આઈ.ની તાલીમના અનુભવ અને સાહસી વ્યક્તિત્વના લીધે શ્રી વિજય ટાંકે અમદાવાદના બાકરોલ ખાતે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પ્રિસાઇઝ ઇન્ડસ્ટ્રીઝના નામે સી.એન.સી લેસર કટિંગ ઉદ્યોગ સ્થાપ્યો હતો.
રાજુલા આઇ.ટી.આઇ. ખાતે રોજગારલક્ષી તાલીમના વિવિધ ટ્રેડ કોર્ષ શરુ છે. તાલીમાર્થીઓને વિવિધ ટ્રેડમાં તાલીમ બાદ રોજગારી અને સ્વરોજગારી પ્રાપ્ત થાય છે.
વાર્ષિક રુ.૭૦ લાખનું ટર્નઓવર પ્રાપ્ત કરી શ્રી વિજય ટાંકે આઇ.ટી.આઇ. ફિટર ટ્રેડની બે વર્ષની તાલીમને સફળ બનાવી છે. કેટલાય યુવાનોને રોજગારી પણ પૂરી પાડી શ્રી વિજયભાઇ ટાંકે રોજગારીના ક્ષેત્રમાં પણ પોતાનું સેવાકાર્ય શરુ કર્યુ છે.
રાજુલા આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ પ્રક્રિયા શરુ છે. તાલીમ મેળવી રોજગારી-સ્વરોજગારી મેળવવા ઇચ્છુક યુવાનોએ તા.૩૦.૦૬.૨૦૨૫ સુધીમાં અરજી કરવી. પ્રથમ રાઉન્ડના ફોર્મ ભરીને નોંધણી કરાવવી. આ ઉપરાંત રાજુલા આઇ.ટી.આઈ. ખાતે હેલ્પ સેન્ટર પણ કાર્યરત છે, જ્યાંથી નિઃશુલ્ક ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવે છે.
આથી, રાજુલા આઇ.ટી.આઇ. ખાતેના વિવિધ અભ્યાસક્રમો વિશે અને પ્રવેશ મેળવવા રાજુલા આઇ.ટી.આઇ. નો સંપર્ક કરવો, તેમ રાજુલા આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.





