સાવરકુંડલામાં ભક્તિ, શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ: તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી*
અનેક મહાનુભાવો રહ્યા હાજર

*સાવરકુંડલામાં ભક્તિ, શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ: તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી*
યોગેશ કાનાબાર રાજુલા
*વિશ્વ શાંતિ માટે મહાયજ્ઞ, સર્વ રોગ નિદાન કેમ્પ રક્તદાન, અંગદાન સંકલ્પ અને પક્ષીઓ માટે કુંડા વિતરણ જેવા સેવાકીય કાર્યોથી સનાતની પરંપરા મહેકી ઉઠી*
સાવરકુંડલાની શાન અને આસ્થાના પ્રતીક સમાન પવિત્ર નાવલી નદીના કાંઠે બિરાજમાન શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે એક દિવ્ય અને ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રહીને સાચા અર્થમાં માનવ સેવા, જીવદયા અને સામાજિક જવાબદારીનો મહોત્સવ બની રહી હતી.
શ્રી તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમાં ઉનાળાની શરૂઆતમાં પક્ષીઓની તરસ છિપાવવા માટે વિનામૂલ્યે માટીના કુંડાનું વિતરણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો. તેમજ ‘સર્વ રોગ નિદાન કેમ્પ’ દ્વારા સેંકડો લોકોની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ રક્તદાન કેમ્પમાં રક્તવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશેષ રૂપે, અનેક રામ ભક્તોએ અંગદાન અને દેહદાનના સંકલ્પ પત્રો ભરીને સનાતની પરંપરાને આધુનિક સમાજ સેવાની નવી દિશા ચીંધી હતી.
આ મહોત્સવની શરૂઆત વિશ્વ શાંતિ તેમજ લોક કલ્યાણ માટે યોજાયેલા મહાયજ્ઞથી થઈ હતી, જેના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું. સાંજની વેળાએ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ અને ભવ્ય લોકડાયરામાં કલાકારોએ ભક્તિ પદોની રમઝટ બોલાવી સાંસ્કૃતિક વારસાને જીવંત કર્યો હતો.
આ મહોત્સવમાં નાના ઝીંઝુડા મોમાઈ માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય મસા પીર બાપુ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં રામ ભક્તોએ કોઈપણ ભેદભાવ વગર એકસાથે પંગતમાં બેસી પ્રસાદ ગ્રહણ કર્યો હતો, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું હતું. હજારોની મેદની હોવા છતાં આશ્રમની પવિત્રતા અને શિસ્તબદ્ધ વ્યવસ્થા આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
સમગ્ર આયોજનની સફળતા બદલ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ પરિવારે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “આ ભવ્ય મહોત્સવની સફળતા પાછળ જેઓએ તન, મન અને ધનથી આહુતિ આપી છે તેવા તમામ દાતાશ્રીઓ, રાત-દિવસ જોયા વગર ખડેપગે સેવા આપનાર નિષ્ઠાવાન સ્વયંસેવકો અને ભાવિક ભક્તોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપ સૌના અતૂટ સહકારથી જ સનાતની પરંપરાનો આ ધ્વજ વધુ તેજસ્વી રીતે લહેરાયો છે.”
ભક્તિ, શક્તિ અને સેવાનો આ ત્રિવેણી સંગમ સાવરકુંડલાના ધાર્મિક અને સામાજિક ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે અંકિત થયો છે.






