
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – કુણોલ લાલપુર પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત, ચાર યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત- બે એમ્બ્યુલન્સ ધ્વારા યુવકોને સારવાર અર્થે એ ખસેડાયા
અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકાના કુણોલ-લાલપુર ગામ નજીક બે બાઈકો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બે બાઈકો વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર બે એમ્બ્યુલન્સ પહોંચીને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
ઇજાગ્રસ્ત પૈકી બે યુવકોને ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતા, જ્યારે વધુ ગંભીર હાલતને ધ્યાનમાં રાખી અન્ય બે યુવકોને મોડાસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં એક યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે અન્ય દવાખાને રિફર કરવામાં આવ્યો છે.અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકો લાલપુર તથા ધાંધિયા ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.સ્થાનિકોમાં અકસ્માતને લઈને ચિંતા વ્યાપી છે અને માર્ગ સલામતી અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.






