વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો ચોમાસાની ઋતુ દરમ્યાન ખીલી ઉઠ્યો છે.હાલમાં કુદરતી સૌંદર્યને માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ડાંગ તરફ દોટ મૂકી રહ્યા છે.તેવામાં ગત રવિવારે સાપુતારા ઘાટમાર્ગમાં સુરતનાં પ્રવાસીઓની લકઝરી બસ ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા બે માસૂમ બાળકોનાં મોત નિપજ્યા હતા.જ્યારે ગત ગુરુવારે માલવાહક બ્રેક ફેઈલ ટ્રક શામગહાન ગામનાં દુકાનોમાં ઘુસી જતા સ્થળ પર નિવૃત રેલવે પોલીસ કર્મીનું કચડાઈ જવાથી મોત નીપજયુ હતુ.હાલમાં એક જ સપ્તાહમાં બે ગમખ્વાર બનેલ અકસ્માતોની શાહી હજુ સુધી સુકાઈ નથી.તેવામાં આજરોજ સાપુતારા ઘાટમાર્ગમાં લકઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે ત્રીજો અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.રવિવારે સુરત તરફથી એક પ્રવાસીઓનું ગ્રુપ લકઝરી બસ.ન.જી.જે.16.એ.યુ.4738માં સવાર થઈ સાપુતારા ખાતે ફરવા જઈ રહ્યુ હતુ.તે વેળાએ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.આર.જે.32.જી.સી.5290નાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ લકઝરી બસને અથડાવતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે આ અકસ્માતનાં બનાવમાં કોઈને પણ ઈજા પોહચી ન હતી.તથા મોટી જાનહાનિ ટળતા તંત્રની ટીમે હાશકારો અનુભવ્યો હતો.આ અકસ્માતનાં પગલે લકઝરી બસ અને આઈસર ટેમ્પોને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતા સાપુતારા પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયાની ટીમે તુરંત જ સ્થળ પર પોહચી જઈ પ્રવાસીઓનાં હાલ ચાલ પૂછ્યા હતા.તથા બન્ને વાહનોને માર્ગની સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વરત કર્યો હતો.આ અકસ્માતનાં પગલે ઘાટમાર્ગમાં ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. ડાંગ જિલ્લાનાં વહીવટી તંત્ર પાસે ભારે વાહનોને ખસેડવા માટે ક્રેનની સુવિધા પણ નથી.સાપુતારા ઘાટમાર્ગમાં વારંવાર અકસ્માત સર્જાય છે.ત્યારે વહીવટી તંત્રની ટીમ પાસે ક્રેન પણ ન મળતા ખરા સમયે વાંસદા,વણી અને નાસિકથી ક્રેન મંગાવવી પડે છે.અમુક કિસ્સામાં અકસ્માત વખતે વ્યક્તિઓ વાહન નીચે દબાઈ જતા હોય છે.જેમાં તુરંત જ ક્રેનની સુવિધાઓ ન મળતા વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડે છે.જેથી ડાંગ વહીવટી તંત્ર ભારે વાહનોને ખસેડી શકે તેવી ક્રેન વસાવે તેવી માંગ ઉઠી છે..