
ઝઘડિયા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો અને બેફામ દોડતા વાહનો અટકાવવા ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ


ધારાસભ્યએ કાર્યકરો સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી ગેરકાયદેસર ચાલતા ખનિજ ખનનનો વિરોધ કર્યો
ડેડીયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા યોજીને તાલુકામાં બેફામ દોડતા ઓવરલોડ વાહનોનો વિરોધ કર્યો હતો. તાલુકામાં લાંબા સમયથી રેત ખનન તેમજ પત્થરની લીઝો મોટાપ્રમાણમાં ચાલી રહી છે,તેમાં ગેરકાયદેસર ચાલતી ખનન પ્રવૃત્તિથી સર્જાતી સમસ્યાઓથી તાલુકાની જનતા ત્રાસી ગઇ છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે રાજપારડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી પદયાત્રા શરુ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકાના પ્લાન્ટ અને પત્થરની કસરોને લઇને દરરોજ સેંકડો ઓવરલોડ વાહનો દોડે છે.આવા બેફામ દોડતા ઓવરલોડ વાહનોને લઇને અકસ્માતો થાય છે અને અકસ્માતોમાં અત્યારસુધીમાં ઘણા લોકોના મોત થયા છે.ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે તાલુકામાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલું રાખતા હોઇ ઉપર સુધી હપ્તા પહોંચે છે. વળી ઝઘડિયા અંકલેશ્વર જેવા મથકોએ આવેલ જીઆઇડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળવામાં તકલીફો પડે છે,અને બહારના લોકોને બેત્રણ વરસમાં કાયમી કરવામાં આવે છે જ્યારે સ્થાનિક યુવાનો પાસે બારબાર કલાક કામ કરાવીને તેમનું શોષણ કરાય છે.વળી ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાના રસ્તાઓ બિસ્માર બન્યા હોવા છતાં સુધારવામાં નથી આવતા. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પણ બિસ્માર બન્યો હોવાનું જણાવી ધારાસભ્યએ લોકોને પડતી હાલાકિ નિવારાય તેવી માંગ કરી હતી. ચૈતર વસાવાએ ઝઘડિયા ખાતે પ્રાન્ત અધિકારીને આ બાબતે રજુઆત કરી હતી.તેમજ જિલ્લાના બીજા વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બનેલા હોવા બાબતે ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.અને ખરાબ રસ્તાઓ પર દોડતા વાહનોથી ઉડતી ધુળના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું જણાવી ધારાસભ્યએ રસ્તાઓ બાબતે નિષ્ક્રિય બનેલ તંત્ર પર પ્રહારો કર્યા હતા.ઉપરાંત જીએમડીસી વિસ્તારમાંથી નીકળતું દુષિત પાણી ખાડીઓમાં જતા પાણી પીતા પશુઓના મોત થતા હોવાનું જણાવી આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઈરફાનખત્રી
રાજપારડી



