સાવરકુંડલાના કથાકાર રાજુગિરી ગોસ્વામી સામે બ્રહ્મ સમાજનો ઉગ્ર વિરોધ, પોલીસ ફરિયાદ આપવામાં આવી*
યોગેશ કાનાબાર રાજુલા
*સાવરકુંડલાના કથાકાર રાજુગિરી ગોસ્વામી સામે બ્રહ્મ સમાજનો ઉગ્ર વિરોધ, પોલીસ ફરિયાદ આપવામાં આવી*
*વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ*
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રહ્મ સમાજ દ્વારા કથાકાર રાજુગિરી કાશીગીરી ગોસ્વામી (રહે. મોટા ઝીંઝુડા, તા. સાવરકુંડલા) વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧, ૧૯૬, ૨૯૬, અને ૨૯૯ હેઠળ ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે. આ ફરિયાદ કથાકાર દ્વારા વ્યાસપીઠ પરથી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ અપમાનજનક તથા ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી રાજુગિરી ગોસ્વામી શિવકથાના નામે જુદા-જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે. તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચી દેખાડવાના બદઈરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે.
“બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઉંધા ચશ્મા પહેરાવે છે”
ફરિયાદમાં ઉલ્લેખ છે કે રાજુગિરી ગોસ્વામીએ અગાઉ ઉના તાલુકામાં પોતાની કથામાં OBC સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ પણ આવા જ અપમાનજનક નિવેદનો કર્યા હતા, જેના પછી તેમણે માફી પણ માંગી હતી. જોકે, તાજેતરમાં, તેમણે કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું હતું કે, “બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઉંધા ચશ્મા પહેરાવે છે અને ખોટી વિધિઓ કરાવે છે.” આ કૃત્ય તેમનો ઈરાદાપૂર્વકનો અપમાનજનક હેતુ અને ધાર્મિક માન્યતાઓના અપમાનનું સ્પષ્ટપણે સૂચવે છે. સનાતન ધર્મના રક્ષક
શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, બ્રાહ્મણો હંમેશા ધર્મની રક્ષા કરનારો અને સનાતન ધર્મને ટકાવી રાખવાનું કામ કરનારો વર્ગ છે. તેઓ વેદ, ઉપનિષદ અને ઋષિમુનિઓ દ્વારા નિર્ધારિત નિયમો તેમજ ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ જ ધાર્મિક વિધિઓ કરાવે છે. તેઓ કોઈને ખોટી માન્યતાઓ હેઠળ ઉંધા ચશ્મા પહેરાવતા નથી કે ખોટી વિધિઓ કરાવતા નથી. દીકરીના શોષણનો પણ આરોપ
ફરિયાદમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આરોપી રાજુગિરી ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે. તેમના વિરુદ્ધ અગાઉ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કોઈની દીકરીને પોતાના આશ્રમમાં ગોંધી રાખવા અને તેનું શોષણ કરવાની પણ ફરિયાદ દાખલ થયેલી છે. આ આરોપી જાહેર મંચ પરથી વારંવાર કોઈ પણ જ્ઞાતિ વિશે ખરાબ, અપમાનજનક અને ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરતા રહ્યા છે. આરોપી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનું અપમાન કરવા, ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઉચ્ચારણ કરવા બદલ તેમની વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનૂની રાહે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.