
ઝઘડિયા તાલુકાના કરાડ ગામે એક ઇસમે શિક્ષિકાને લાકડાના સપાટાથી મારનાર આરોપી ઝડપાયો
અંકલેશ્વર ખાતે રહેતા દિપાલીબેન પરમાર ઝઘડિયા તાલુકાના કરાડ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.ગતરોજ તા.૧૦ મીના રોજ સવારના સાડા દસના સમયે તેઓ શાળાએ આવ્યા હતા,શાળાના આચાર્ય શંકરભાઇ ગોહિલ ઝઘડિયા બીઆરસી ભવન ખાતે તાલિમમાં ગયા હતા.દિપાલીબેન બાળકોને ભણાવતા હતા,અને ત્યારબાદ શાળા છુટવાના સમયે કરાડ ગામનો મેલાભાઇ નટવરભાઇ વસાવા તેના હાથમાં એક લાકડું લઇને આવ્યો હતો અને દિપાલીબેનને માથામાં સપાટો મારી દીધો હતો તેમજ ત્યારબાદ ઉપરાછાપરી સપાટા મારતા દિપાલીબેન ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન શાળાના આચાર્ય ત્યાં આવી જતા ઇજાગ્રસ્ત દિપાલીબેનને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે દિપાલીબેન પરમારે મેલાભાઇ નટવરભાઇ વસાવા રહે.ગામ કરાડ તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી, ઝઘડિયા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે, મહિલા શિક્ષિકાને માર મારવાનો કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આરોપીની પૂછપરછ બાદ આ ચોક્કસ કારણ જાણી શકાસે તેમ ઝઘડિયા પોલીસ સ્ટેશન ના પીઆઇએ જણાવ્યું હતું
ઈરફાન ખત્રી
રાજપારડી




