વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગડદ ગામે એક વીજ પોલની બાજુમાં કરંટ લાગી ગયેલ યુવાનને બચાવવા જતા મહિલાને પણ કરંટ લાગતા તેનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.જેને લઈને આહવા પોલીસ મથકે અક્સ્માત મોત અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.આ દુર્ઘટનામાં સંતોષભાઈ કાલીદાસભાઈ ગાંગુર્ડે અને શાંતાબેન કિશનભાઈ નિકુમનું કરુણ મૃત્યુ થયુ છે, જેના કારણે સમગ્ર ગામમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.ગામના વીજ થાંભલાની ખરાબ હાલત અંગે ગુજરાત વીજળી બોર્ડ (GEB) ને વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.GEBની આ ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે બે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.ગામલોકો આ ઘટનાને માત્ર એક માનવીય ભૂલ નહીં, પરંતુ એક ગંભીર ગુનો ગણી રહ્યા છે.આ ઘટના બાદ, ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મૃતકોનાં પરિવારને 15 દિવસની અંદર યોગ્ય વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડક માંગણી કરી છે.જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.ગ્રામજનો અને પક્ષના નેતાઓએ ચેતવણી આપી છે કે, જો તંત્ર આ ઘટનામાંથી પણ શીખશે નહીં અને જર્જરિત વીજ માળખાને સુધારવા માટે પગલાં નહીં ભરે, તો ભવિષ્યમાં વધુ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.જોકે હાલમાં તો આ અંગે અક્સ્માત મોત અંગેનો ગુન્હો નોંધી આહવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..