NATIONAL

મહિલાઓ દુષ્કર્મની જુઠ્ઠી ફરિયાદ કરે જ નહીં તેવી માન્યતા જ ખોટી : કેરળ હાઈકોર્ટ

ભારતીય મહિલાઓ ક્યારેય પણ શારીરિક શોષણની જુઠી ફરિયાદ કરી જ ના શકે આ પ્રકારની ધારણા ખોટી છે તેમ કેરળ હાઇકોર્ટે કહ્યું હતું. સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે પુરુષ સાથે સ્કોર સરખો કરવાના ચક્કરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓ દ્વારા જુઠા કેસો કરવાનું પ્રમાણ વધ્યું છે. લગ્નની લાલચ આપી રેપ કર્યાની ફરિયાદ મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ અવલોકન કર્યું હતું.

કેરળ હાઇકોર્ટના ન્યાયાધીશ એ બદરુદીને કહ્યું હતું કે આવા જુઠા કેસો વધી રહ્યા છે તેથી કહી શકાય કે મહિલાઓ ક્યારેય જુઠા કેસો ના કરી શકે તેવી ધારણાને તમામ મામલા સાથે ના જોડવી જોઇએ. આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ રેપની ફરિયાદ સામે આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

આ મામલામાં એવો આરોપ લગાવાયો હતો કે લગ્નના જુઠા વચન આપીને રિલેશનશિપમાં જોડાયો હતો અને બાદમાં રેપ કર્યો હોવાનો મહિલાએ દાવો કર્યો હતો. બીજી તરફ જે મહિલાએ પોતાના પૂર્વ પાર્ટનર પર રેપની ફરિયાદ કરી હતી તેણે કોર્ટમાં આશ્ચર્યજનક રીતે યુ-ટર્ન લીધો હતો અને કહ્યું હતું કે આરોપી સામેની કાર્યવાહી રદ કરવામાં આવે તો તેની સામે મને કોઇ વિરોધ નથી. દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે મહિલાએ ખૂદ કહ્યું હતું કે તેના પર રેપ થયો છે માટે આ ફરિયાદ રદ ના કરી શકાય.

Back to top button
error: Content is protected !!