જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૨ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવા માટે અનેક પ્રેરણાદાયી વિષયો આપવામાં આવ્યા હતા.જેમાં “સ્વદેશી અપનાવો – આત્મનિર્ભરતા તરફ એક પગલું,” “વિકસિત ભારત બનાવવા માટે શું કરવું,” “આયુષ્માન ભારત યોજના” અને “આધુનિક ભારતના શિલ્પી સરદાર” જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ નિબંધ સ્પર્ધાનું આયોજન એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર સંચાલન તત્વજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક શ્રી ડૉ.જીગ્નેશ કાચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રા.ભાવિક ચાવડા, અર્થશાસ્ત્ર વિભાગના વડાશ્રી ડૉ.દીનાબેન લોઢિયા તથા સંસ્કૃત વિભાગના પ્રા. શ્રી ડૉ.આલોક વાઘેલાએ જહેમત ઉઠાવી હતી.આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. ઉક્ત કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ સ્વદેશી ભાવનાને હૃદયંગમ કરતાં આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ