ANANDANAND CITY / TALUKOGUJARAT

વિખૂટી પડેલી રાજસ્થાનના એક ગામની મહિલાનું તેના પરિવાર સાથે મિલાપ કરાવાયુ.

વિખૂટી પડેલી રાજસ્થાનના એક ગામની મહિલાનું તેના પરિવાર સાથે મિલાપ કરાવાયુ.

તાહિર મેમણ – 15-07/2024- આણંદ – : આણંદ ખાતે કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા પોતાના પરિવારથી છૂટી પડેલી એક પીડિત મહિલાને આશ્રય માટે “સખી” વન સ્ટોપ સેન્ટર,આણંદ ખાતે લાવવામાં આવ્યા હતાં. પરિવારથી વિખુટા પડી ગયેલા આ બહેન છેલ્લા ઘણાં સમયથી આણંદના પેટલાદ તાલુકામાં આવેલા મહેળાવ ગામના રામોલ-જેતપુર વિસ્તારમાં આમ તેમ ફરતાં જોવા મળ્યાં હતાં. જેની જાણ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમને થતાં તેમના દ્વારા મહિલા/બહેનને “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતાં.

આશ્રય દરમિયાન આ બહેનને “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે તમામ જરૂરી તબીબી સહાય અને જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યાંના કર્મચારીઓ દ્વારા આ બહેનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેના પરિણામે બહેને તેમની સ્થાનિક ભાષામાં તેઓ સાબલી ગોતીહન્ના ઇડર બાજુના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બહેન દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટરને આપવામાં આવેલી માહિતી પરથી હિંમતનગર પોલીસ સ્ટેશન, જાદર પોલીસ સ્ટેશન, ખેરોજ પોલીસ સ્ટેશન, કોટડા પોલીસ સ્ટેશન અને ગાંધીસરણા પોલીસ સ્ટેશન તથા સખી વન સ્ટોપ સેન્ટર સાબરકાંઠાનો સંપર્ક કરી તમામ સ્થાનોએ બહેનનો ફોટો અને જાણકારી મોકલવામાં આવી હતી. ત્યારબાદ “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ બહેનનું સતત કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ ગાંધીસરણા (રાજસ્થાન) ગામના રહેવાસી છે અને તેમના પતિ ગૌપીપલા ગામના છે. જે અંગેની માહિતી ખેરોજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતાં ખેરોજ પોલીસ સ્ટેશનથી ગૌપીપલા ગામ તથા ગાંધીસરણા ગામના સરપંચનો સંપર્ક નંબર આપવામાં આવ્યો હતો. જેમનો “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા સંપર્ક કરવામાં આવતાં આ બહેનના પતિ તથા ભાઇનો સંપર્ક નંબર પ્રાપ્ત થયો હતો. તેમનો સંપર્ક કરતાં મહિલાના ભાઇ તથા પિતા જરૂરી આધાર પુરાવાઓ સાથે “સખી” વન સ્ટોપ સેન્ટર, આણંદ ખાતે આવી પહોંચ્યા હતાં.

પરિવારથી વિખુટા પડેલાં આ બહેને પોતાના ભાઇ તથા પિતાને તુરંત જ ઓળખી લીધા હતાં અને તેમના પિતા તથા ભાઇએ પણ આ બહેનને ઓળખી લીધા હતાં. બહેનના ભાઇએ તેમની બહેન અંદાજે છેલ્લા પાંચ વર્ષથી માનસિક અસ્વસ્થ હોઈ પોતાની સાસરીમાં પતિ સાથે રહેતા નથી અને ઘરમાંથી કોઈને કશું પણ જણાવ્યા વગર વારંવાર નીકળી જાય છે તેમ જણાવ્યું હતું.

“સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મિઓએ બહેનના પિતા અને ભાઈને બહેનની સારસંભાળ રાખવા તથા સારા ચિકિત્સાલયમાં સારવાર કરાવવા અને મહિલાને પણ ઘરમાંથી કોઈને જણાવ્યા વગર ઘરેથી બહાર નહિં નિકળવા સમજાવ્યા હતાં. આમ, પોતાના પરિવારથી વિખુટી પડેલી રાજસ્થાનના એક ગામની મહિલાનું આણંદના “સખી” વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પુન:મિલન થયું છે.

Back to top button
error: Content is protected !!