GUJARATLUNAWADAMAHISAGAR

બાલાસિનોર શહેરમાં કમળાના રોગચાળાને ડામવા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ

બાલાસિનોર શહેરમાં કમળાના રોગચાળાને ડામવા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ
**

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…

બાલાસિનોરની જૂની અને લીકેજ થતી પાણી-ગટરની લાઈનો તાત્કાલિક બદલવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવા કલેક્ટરશ્રીનો સૂચનો
**

 


બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં હાલમાં જોવા મળી રહેલા કમળાના રોગચાળાને નિયંત્રિત કરવા અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા રોગચાળાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી પગલાં લેવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, રોગચાળાગ્રસ્ત વિસ્તારોમાં જે પાણીની લાઈનો ખૂબ જ જૂની છે અને વારંવાર લીકેજ થવાની સમસ્યા સર્જાય છે, તેવી તમામ લાઈનોને યુદ્ધના ધોરણે બદલવાની કામગીરી શરૂ કરવામાં આવે. ખાસ કરીને પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન વચ્ચે થતા લીકેજને કારણે પ્રદૂષિત પાણીની સમસ્યા સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ લાવવા માટે ગટર લાઈનોના સમારકામ અને નવીનીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જે વિસ્તારોમાં કમળાના કેસનું પ્રમાણ વધારે છે, તેવા વિસ્તારોની ઓળખ કરી ત્યાં વિશેષ આરોગ્યલક્ષી ટીમો તૈનાત કરવા અને ક્લોરીનેશનની કામગીરી સઘન બનાવવા આદેશ અપાયા છે. નાગરિકોને દૂષિત પાણીથી બચાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શુદ્ધ પાણીના ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં જનજાગૃતિ ફેલાવવા માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જણાવાયું છે, જેથી લોકો પાણી ઉકાળીને પીવા અને વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે સજાગ બને.

કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે આ કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા અને તમામ વિભાગોને સંકલનમાં રહીને કામ કરવા તાકીદ કરી હતી. બાલાસિનોરના રહીશોને રોગચાળામાંથી વહેલી તકે મુક્તિ મળે તે માટે નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું બેઠકના અંતે જણાવાયું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, બાલાસિનોર પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,બાલાસિનોર ચીફ ઓફિસરશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!