વટવા વિસ્તારમાં બે નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત, બાળકોના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: વટવા વિસ્તારમાં ધારાસભ્ય બાબુસિંહ જાદવના હસ્તે બે નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રો આઇસીડીએસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત રહેશે અને વીંઝોલ 4 તેમજ ન્યૂ વટવા વિસ્તારોમાં સેવા આપશે.
નવા આંગણવાડી કેન્દ્રો દ્વારા સ્થાનિક સમુદાયના બાળકોને શિક્ષણ, પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ થશે. સાથે સાથે ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પણ પોષણ તથા આરોગ્ય અંગે માર્ગદર્શન મળશે. આ પહેલથી વિસ્તારમાં નાના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે અને માતા-બાળ મરણદર ઘટાડવામાં મદદરૂપ થશે.
કાર્યક્રમ દરમિયાન રામોલ વોર્ડ પ્રમુખ હિતેશભાઈ ભરવાડ, મહામંત્રી મહેશભાઈ આચાર્ય, રામોલ અને હાથીજણ વોર્ડના કોર્પોરેટરો ચંદ્રિકાબહેન પંચાલ, સુનિતાબહેન ચૌહાણ અને મૌલિકભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત એએમસીના ઇજનેર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, બાળ વિકાસ અધિકારી અર્બન 1 કોમલ જી. વસાવા તથા મુખ્ય સેવિકા કિંજલબહેન પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ધારાસભ્ય બાબુસિંહ જાદવે જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. નવા આંગણવાડી કેન્દ્રો દ્વારા વિસ્તારના બાળકોને પોષણયુક્ત ભોજન, પ્રાથમિક શિક્ષણ તથા આરોગ્ય ચકાસણી ઉપલબ્ધ થશે, જે સમાજના ભવિષ્યને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્થાનિક નાગરિકોએ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્તનું હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું અને આ પહેલથી વિસ્તારના પરિવારોને લાંબા ગાળે લાભ થશે તેવી આશા વ્યક્ત કરી.