વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લા અને સંઘ પ્રદેશમાંથી પણ ૪૫૦થી વધુ યુવક-યુવતીએ ઉત્સાહભેર ભાગ લીધો એલઈડી સ્ક્રીન પર લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓના બાયોડેટા પ્રદર્શિત કરવાની નવી પહેલ કરવામાં આવી
વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓનો પરિચય મેળો ૨૦૨૫ તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે પર સ્થિત મા રિસોર્ટમાં યોજાયો હતો.
વલસાડ જિલ્લાના રોહિત સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓના પરિચય મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દમણ અને દાનહ માંથી ૪૫૦ થી વધુ યુવક- યુવતીઓએ ભાગ લઈ પોતાની પસંદગીના જીવનસાથી મેળવવા માટે સફળ પ્રયાસ કર્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન ડો. રમણભાઈ પરમારે રોહિત સમાજ દ્વારા આયોજિત પરિચય મેળાને બિરદાવી આયોજકો અને તેમની સમગ્ર ટીમની મહેનતની પ્રસંશા કરી સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી. અતિથિ વિશેષ રાજેન્દ્રભાઈ સોલંકી (મોરથાણા)એ વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજના પ્રયાસની સરાહના કરી જણાવ્યું કે, સામાન્ય રીતે પરિચય મેળામાં લગ્નઉત્સુક યુવક- યુવતી સ્ટેજ પર સૌની સામે આવી પોતાનો પરિચય આપતા હોય છે પરંતુ વલસાડ રોહિત સમાજ દ્વારા નવી પહેલ કરી યુવક – યુવતીના ફોટા સાથેના બાયોડેટા વિશાળ એલઈડી સ્ક્રીન પર પ્રદર્શિત કર્યા તે ખરેખર બિરદાવવા પાત્ર છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ મકવાણાએ રોહિત સમાજને એકતાના તાંતણે બાંધનાર આ પરિચય મેળાના આયોજન અંગે ખુશી વ્યક્ત કરી સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી. આ તબક્કે સમાજના ઉત્થાન માટે દાતાઓએ પણ ઉદાર હાથે દાનની સરવાણી વહેડાવી હતી.
સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળના પ્રમુખશ્રી આશિષભાઈ ગોહિલ(લીલાપોર)એ કર્યુ હતું. સમાજના આગેવાનો દ્વારા મંડળના પ્રમુખ આશિષભાઈ અને ઉપપ્રમુખશ્રી કેતનભાઈ સોલંકી (સેગવા)નું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ પરિચય મેળાને સફળ બનાવવા માટે પરિચય પસંદગી મેળા સમિતિના કન્વીનર કેતનભાઇ સોલંકી, સહ કન્વીનર કમલેશ સોલંકી, ભરત સોલંકી, રાકેશ સોલંકી, જયંતિભાઈ ચૌહાણ (જેસીયા), કલ્પેશ ગોહિલ (લીલાપોર) સહિતના તમામ સહ કન્વીનરો અને સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પસદંગી મેળાને સફળ બનાવ્યો હતો.