કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી કર્મચારીઓ સમાન હકોનો દાવો ના કરી શકે: SCનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓ અને કર્મચારીઓના હિતોને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગોના નિયમિત (કાયમી) કર્મચારીઓ સમાન વેતન કે અન્ય સુવિધાઓનો દાવો કરી શકે નહીં.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, સરકારી વિભાગોમાં નિયમિત નોકરી એ એક ‘જાહેર મિલકત’ (Public Property) છે. દેશના દરેક લાયક નાગરિકને આ નોકરી માટે અરજી કરવાનો અને પારદર્શક પ્રક્રિયા દ્વારા પસંદગી પામવાનો સમાન અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં નિયમિત અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેના તફાવત માટે નીચેના મુદ્દાઓ ટાંક્યા હતા.
-
પારદર્શક પ્રક્રિયા: નિયમિત નિમણૂકો એક નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અને લાયકાતના ધોરણે થાય છે, જ્યારે કોન્ટ્રાક્ટ પરની ભરતી એજન્સી કે કોન્ટ્રાક્ટરની મરજી પર આધારિત હોય છે.
-
ભ્રષ્ટાચાર અને પક્ષપાત પર રોક: નિયમિત ભરતીમાં સુરક્ષાના એવા ઉપાયો હોય છે જે પક્ષપાત કે અન્ય બાહ્ય પરિબળોને રોકે છે.
-
નિમણૂકની પવિત્રતા: જો કાયમી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેનો તફાવત નાબૂદ કરવામાં આવે, તો નિમણૂકની વિવિધ પદ્ધતિઓ (કાયમી, એડહોક અને કોન્ટ્રાક્ટ) નો મૂળભૂત આધાર જ ખતમ થઈ જશે.
આ કેસ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાની નંદયાલ મ્યુનિસિપલ કાઉન્સિલ સાથે જોડાયેલો છે. વર્ષ 1994માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક કોન્ટ્રાક્ટર મારફતે સફાઈ કામદારોને કામ પર રાખવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે 2018માં આ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપતા તેમને કાયમી કર્મચારીઓ સમાન વેતન અને ભથ્થાં આપવાનો આદેશ આપ્યો હતો. નગરપાલિકાએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના 2018ના આદેશને રદબાતલ ઠેરવ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે જે કર્મચારીઓ ત્રીજા પક્ષ (કોન્ટ્રાક્ટર) દ્વારા રાખવામાં આવ્યા હોય, તેઓ કાયદાકીય રીતે નિયમિત નિમણૂક પામેલા કર્મચારીઓની શ્રેણીમાં આવી શકે નહીં.



