Rajkot: રાજકોટ જિલ્લામાં ધોરાજી, ગોંડલ, જેતપુર,વિંછીયા ખાતે યોજાયા રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમો

તા.૬/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રવિ પાક અંગે માર્ગદર્શન, સહાય તથા પ્રમાણપત્ર એનાયત કરાયા
Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજી, ગોંડલ, જેતપુર,વિંછીયા તાલુકાના ખેડૂતોને શિયાળાની ઋતુમાં થતાં રવિ પાકો વિશે તાંત્રિક માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી ધોરાજી તાલુકામાં તા. ૦૬ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ શ્રી ભગવતસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે, જેતપુર તાલુકામાં તાલુકા પંચાયત, જેતપુર, વિંછીયા તાલુકામાં તાલુકા પંચાયત, વિંછીયા તથા ગોંડલ તાલુકામાં લેઉવા પટેલ સમાજ, શિવરાજગઢ ખાતે રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા દાંતીવાડા ખાતેથી રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪નો ઓનલાઇન માધ્યમથી રાજ્યના ૨૪૭ તાલુકામાં શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રવિ કૃષિ મહોત્સવમાં ટકાઉ ખેતી, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર ખેતી, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત યોજાઈ હતી.
કૃષિ મહોત્સવમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રી ડો. એલ. સી. વેકરીયા અને ડો. સી. એમ. ભાલીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કૃષિ, બાગાયત, મહેસૂલ, આત્મા, પશુપાલન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ, વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, GGRC, કિશાન ક્રેડિટ કાર્ડ, ફાર્મ મિકેનાઝેશનનાં વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખેતી, પશુપાલન અને બાગાયત વિભાગના યોજનાકીય લાભાર્થીઓને સહાયના હુકમ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રવિભાઈ વડાલિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ભાનુબેન બાબરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ મેર, માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી હરકીશનભાઈ માવાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિરલભાઈ પનારા, તાલુકા અને શહેરના અગ્રણી શ્રી મયૂરભાઈ શિંગાળા, રાજુભાઇ બાલધા, વિનુભાઈ ત્રિવેદી, રમણીકભાઈ બાલધા તેમજ અન્ય પદાધિકારીઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં ખેડૂતભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





