આણંદ – સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો અને કોર્પોરેટ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા

આણંદ – સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો અને કોર્પોરેટ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા
તાહિર મેમણ – આણંદ – 23/12/2025 – ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેનો સેતુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અનેક ઉદ્યોગો તથા કોર્પોરેટ્સ સાથે MoU કરવામાં આવ્યા છે. 20મી ડિસેમ્બર 2025ના રોજ સીવીએમ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળના ગવર્નિંગ અને મેનેજમેન્ટ બોડી, પ્રોવોસ્ટ પ્રોફેસર (ડો.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયાના માર્ગદર્શનથી વિવિધ 20થી વધુ ઇન્ડસ્ટ્રી સાથે MoU કરાયા હતા.
ચારુતર વિદ્યા મંડળ (CVM) યુનિવર્સિટી વિજ્ઞાન, એન્જિનિયરિંગ, કોમર્સ, મેનેજમેન્ટ, આયુર્વેદ, નર્સિંગ, ફાર્મસી, અને કાયદા જેવા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને પ્રાધાન્ય આપે છે. વિદ્યાર્થીઓને ઉદ્યોગોનું પ્રાયોગિક શિક્ષણ મળી રહે તે હેતુથી યુનિવર્સિટી દ્વારા NEP 2020ને અનુરૂપ, વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગો સાથે MoU કરવામાં આવ્યા છે. ઓક્ટોબર માસમાં 15 ઉપરાંત ઉદ્યોગો સાથે સફળતાપૂર્વક MoU કર્યા બાદ, આ બીજા તબ્બકામાં વિવિધ ક્ષેત્રના 20થી વધુ ઉદ્યોગો અને કોર્પોરેટ સંસ્થાઓએ સીવીએમ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે.
આ MoU થકી ટૂંકા અને લાંબા ગાળાની ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટર્નશિપ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને ફિલ્ડ એક્સપોઝર મળશે અને તેમના જ્ઞાનમાં વધારો થશે. સંયુક્ત સંશોધન, તાલીમ કાર્યક્રમો, ઔદ્યોગિક મુલાકાતો, નિષ્ણાતોના વ્યાખ્યાન અને કન્સલ્ટન્સી દ્વારા એકેડેમિયા-ઇન્ડસ્ટ્રીની ભાગીદારી મજબૂત બનશે. એન્જિનિયરિંગ, વિજ્ઞાન, મેનેજમેન્ટ, ફાર્મસી, આયુર્વેદિક ચિકિત્સા, શિક્ષણ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી જેવા ક્ષેત્રોમાં નિષ્ણાતો અને સંસાધનોના આદાનપ્રદાનથી ઉચ્ચ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ તૈયાર થશે. આ MoUથી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની ગુણવત્તા અને સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે.
સીવીએમ યુનિવર્સિટીના માનનીય પ્રેસિડેન્ટ અને સીવીએમના ચેરમેન ઈજનેર શ્રી ભીખુભાઈ પટેલે ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેનું અંતર ઘટાડવાના આ પ્રયાસોની પ્રશંસા કરતાં અભિનંદન પાઠવ્યા હતા. ગવર્નિંગ અને મેનેજમેન્ટ બોડીના સભ્યો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ઈન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રો. (ડૉ.) સંદીપ વાલિયાએ પ્રોફેસર (ડૉ.) દર્શક દેસાઇ અને પ્રોફેસર મીનેશ અમીનને વિદ્યાર્થીઓના સર્વાંગી લાભ માટે પ્રતિષ્ઠિત ઉદ્યોગો સાથે કરાર કરવા બદલ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.





