મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર રાજ્યમા પુલો, માર્ગો, અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લગતુ ખાસ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે.
આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા માર્ગ અને વિભાગ (રાજ્ય) દ્વારા પણ વિશેષ અભિયાન હાથ ધરી, રોડ સમારકામ તેમજ બ્રિજ નિરીક્ષણની કામગીરી હાથ ધરવામા આવી છે. જેના ભાગરૂપે તાજેતરમા જ સાપુતારા-વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના ‘નંદી ઉતારા’ મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ‘ક્રિટીકલ પુઅર કેટેગરી’મા આવતા, તા.૧૨ જુલાઇના રોજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી આ બ્રિજ ઉપર ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કર્યો છે.ત્યારે આ બ્રિજ ઉપર સુરક્ષાના ભાગરૂપે કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ બ્રિજ પાસે તમામ પ્રકારના ચેતવણી અને માહિતી દર્શક બોર્ડ લગાવવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાર્યપાલક ઈજનેર,ડાંગ (મા×મ) વિભાગ (રાજય) હસ્તકના વઘઈ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઇ-સાપુતારા રોડ પરના આ બ્રિજનુ નિર્માણ સને ૧૯૫૯/૬૦ દરમિયાન કરાયુ હતુ. ૧૦૮ મીટરની લંબાઈ ધરાવતા આ મેજર બ્રિજને બંધ કરાતા, અહીંથી પસાર થતા ભારે કોમર્શિયલ વાહનોને જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગ (૧) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બિલ્ધા-આવધા-ધરમપુર રોડ, તથા (૨) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બોપી-કાવડેજ-વાંસદા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવાયુ છે.