આણંદ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી વેપારીની 2.25 લાખની સોનાની ચેન તોડી શખસ ફરાર
આણંદ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી વેપારીની 2.25 લાખની સોનાની ચેન તોડી શખસ ફરાર
તાહિર મેમણ – આણંદ – 15/09/2025 – આણંદ રેલવે સ્ટેશન પાસે માત્ર ચાર જ મિનિટમાં ડામમંડના દલાલની ઉંઘનો લાભ લઈ ચેન સ્નેચર્સ રૂપિયા 2.25 લાખની સોનાની ચેન તોડી ચાલુ ટ્રેનમાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે દલાલે આણંદ રેલવે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત સ્થિત અઠવા લાઈન ખાતે અતુલભાઈ રમેશભાઈ સંઘવી રહે છે. તેઓ હીરા-ડાયમંડની દલાલીનો વેપાર કરે છે. તેઓ કોઈ કામ અર્થે રાજકોટ ગયા હતા. દરમિયાન, શનિવારે રાત્રે તેઓ રાજકોટથી રીઝર્વેશન હોઈ તિરૂનવેલી એક્સપ્રેસ ટ્રેનમાં પરત આવી રહ્યા હતા. તેઓ રાત્રે તેમની સીટ પર સુઈ રહ્યા હતા. સવારે 4 અને 11 મિનિટે આણંદ રેલવે સ્ટેશન આવ્યું હતું. ટ્રેન રેલવે સ્ટેશન પર ધીમી ચાલી રહી હતી.
ચારેક મિનિટની અંદર જ કોઈ શખસે તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટી લઈ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. અચાનક વેપારીની ચેન લૂંટાઈ જતાં તેઓ ઉઠીને ટ્રેનના દરવાજે પહોંચ્યા હતા. પરંતુ તેઓ શખસને જોઈ શક્યા નહોતા. આ મામલે તેમણે આણંદ રેલવે પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસ સામે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. વેપારીએ પોલીસના જણાવ્યા અનુસાર શખસ 30થી 35 વર્ષના આશરાનો અને મજબુત બાંધાનો હતો.