આણંદ વિદ્યાર્થી રીક્સા મેં લેપટોપ ભુલ્યો પોલિસે શોધીને પરત અપાવ્યુ.

આણંદ વિદ્યાર્થી રીક્સા મેં લેપટોપ ભુલ્યો પોલિસે શોધીને પરત અપાવ્યુ.
તાહિર મેમણ – આણંદ – 13/12/2025 – આણંદ શહેરમાં સુરતના એક વિદ્યાર્થીની રીક્ષામાં ભૂલાઈ ગયેલી લેપટોપ બેગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી. પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ બેગ વિદ્યાર્થીને પરત કરી હતી.
11 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે, સુરતના નિસર્ગ રિતેશકુમાર પરમાર (રહે. કૃભકો ટાઉનશીપ, હજીરા રોડ) શહીદચોકથી આણંદ રેલ્વે સ્ટેશન જવા માટે રીક્ષામાં બેઠા હતા. મુસાફરી દરમિયાન તેઓ અંદાજિત 50,000 રૂપિયાની કિંમતની લેપટોપ બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં નિસર્ગે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, આણંદનો સંપર્ક કર્યો હતો.
નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે તાત્કાલિક અરજી નોંધી તપાસ શરૂ કરી. રેલ્વે સ્ટેશન બહારના, શહીદચોક અને ટાઉનહોલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. જેમાં GJ 23 AU 8486 નંબરની એક રીક્ષા દેખાઈ હતી.
પોકેટકોપમાં રીક્ષા નંબર સર્ચ કરતા રીક્ષાચાલકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર મળ્યા. નેત્રમ ટીમે રીક્ષાચાલકનો સંપર્ક કર્યો. રીક્ષાચાલક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે હાજર થયા અને પ્રમાણિકતાપૂર્વક લેપટોપ ભરેલી બેગ અરજદારને પરત કરી હતી.
આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ રીક્ષાચાલકની પ્રમાણિકતાને બિરદાવી રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ જિલ્લા પોલીસ વડાના હસ્તે વિદ્યાર્થીને લેપટોપ બેગ સુપ્રત કરવામાં આવી હતી.




