ANANDANAND CITY / TALUKO

આણંદ જનરલ હોસ્પિટલમાં 75 હજારનો પગારદાર તબીબ રૂા.3 હજારની લાંચ લેતા ઝડપાયો

આણંદ જનરલ હોસ્પિટલમાં 75 હજારનો પગારદાર તબીબ રૂા.3 હજારની લાંચ લેતા ઝડપાયો

તાહિર મેમણ – આણંદ – 20/05/2026 – આણંદ એસીબીએ છટકું ગોઠવીને રૂપિયા 75 હજારનો માસિક પગાર મેળવનારા આણંદ જનરલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જનને રૂપિયા 3 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

 

ફરિયાદીના મિત્રના હાથની આંગળીનું ઓપરેશન આણંદની જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

 

સરકારના નિયમ પ્રમાણે આ ઓપરેશન વિનામૂલ્યે થાય છે. પરંતુ લાંચિયા તબીબ ચિંતન સ્નેહલ શાહે તેમના આંગળીનું ઓપરેશન કરવાના અવેજ પેટે લાંચ માંગી હતી. આ માટે તેણે રૂપિયા 6500 આપવા જણાવ્યું હતું. જોકે, ફરિયાદીએ પોતાની પાસે એટલા રૂપિયા ન હોય, રકઝકના અંતે આ સોદો રૂપિયા 4 હજારમાં નક્કી થયો હતો અને પ્રથમ હપ્તા પેટે તેણે રૂપિયા 1 હજાર તબીબને આપ્યા હતા અને બાકીના પછી આપીશ તેમ કહ્યું હતું.

 

ફરિયાદી પૈસા આપવા તૈયાર ન હોય તેમણે આણંદ એસીબીમાં આ અંગેની ફરિયાદ કરી હતી. જેને પગલે આણંદ એસીબીની ટીમ દ્વારા આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફરિયાદીએ રૂપિયા ત્રણ હજાર લેવા માટે તબીબને બોલાવ્યા હતા.

 

તબીબ ઓપરેશ થિયેટર બહારની લોબીમાં પૈસા લેવા માટે આવતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આમ, સફેદ કોટ પર કલંક સમાન આ ઘટનાને લઈને સમગ્ર તબીબ આલમમાં શખસ પર ફિટકારની લાગણી વરસાવી છે.

Back to top button
error: Content is protected !!