આણંદમાં 100 દિવસ સઘન ટી.બી મુક્ત ઝુંબેશ માટેનો કાર્યક્રમ યોજાયો

આણંદમાં 100 દિવસ સઘન ટી.બી મુક્ત ઝુંબેશ માટેનો કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – આણંદ – 07/12/2024 – ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અન્વયે આણંદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષપદે આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા 100 દિવસ સઘન ટી.બી નિર્મૂલન ઝુંબેશ માટેનો કાર્યક્રમ અર્બન હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો.
પોષણક્ષમ કીટનું વિમોચન કરવામાં આવ્યું
આ પ્રસંગે નિક્ષય મિત્રો કે જેમણે ટી.બીના દર્દીઓની સારવાર અર્થેની સ્વૈચ્છિક જવાબદારી લઈને સમાજસેવાનું ઉમદા કાર્ય કર્યુ હોય તેઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને બિરદાવ્યા હતા. આ પ્રસંગે દાતાઓ દ્વારા અર્પણ કરાયેલ પોષણક્ષમ કીટનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી દીપક પરમારે 100 દિવસ ટી.બી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત હાથ ધરવામાં આવનાર આરોગ્યલક્ષી વિશેષ સેવાઓથી લોકોને માહિતગાર કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઈ.એમ.ઓ રાજેશ પટેલ, આરોગ્ય અધિકારીઓ, આરોગ્યકર્મીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
જિલ્લામાં આગામી 100 દિવસ આરોગ્યની ટીમ ડોર-ટુ ડોર જઈને ટીબી અંતર્ગતની તપાસ કરવાની છે. આણંદ જિલ્લામાં પણ આરોગ્ય શાખાની ટીમો પણ ઘેર ઘેર જઈને તપાસ હાથ ધરવાની છે. જે અન્વયે જિલ્લાના નાગરીકોને સહયોગ આપવા પણ જિલ્લા પંચાયત પ્રમુખએ અપીલ કરી હતી. વધુમાં તેમણે ટી.બીની યોગ્ય સારવાર અને પૂરતો પોષણક્ષમ આહાર લેવાથી નિર્મૂલન થાય છે. આથી, આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી સારવારમાં વિશ્વાસ રાખીને સકારાત્મક અભિગમ રાખવા જિલ્લાના નાગરીકોને જણાવ્યું હતું.
ટીબી પેશન્ટમાંથી ટીબી ચેમ્પિયન બનેલ સંગિતાબેન અન્ય ટીબી પેશન્ટ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
100 દિવસ સઘન ટી બી નિર્મૂલન ઝુંબેશ કાર્યક્રમમાં નિક્ષય મિત્રોને કે જેમણે ટી.બીના દર્દીઓની સારવાર માટેની સ્વૈચ્છિક જવાબદારી લઈને સમાજસેવાનું ઉમદા કાર્ય કર્યુ હોય તેઓને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા તેમાં સંગિતાબેનનો પણ સમાવેશ થાય છે. સંગીતાબેનને વર્ષ 2018 માં ટી.બી થયો હતો. તેમાંથી સાજા થઈને “ટી બી પેશન્ટમાંથી ટી બી ચેમ્પીયન” બનેલ. તેઓ હાલમાં નિ:સ્વાર્થ ભાવે ટીબી ગ્રસ્ત દર્દીઓને માનસિક રીતે મજબૂત બનાવવાનું સરાહનિય કાર્ય કરી રહ્યા છે. તેઓ ટી બીના દર્દીઓને સમજાવતા કહે છે કે, મને પણ તમારી જેમ ટીબી થયો હતો. પણ સરકારના આરોગ્ય વિભાગની પૂરતી દરકારથી હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈને તમારી સામે છું. તમે પણ માત્ર 6 મહિનામાં જ યોગ્ય સારવાર અને પોષણક્ષમ આહાર લેશો તો મારા જેમ જ અન્ય લોકોને તથા ગામજનોને પણ સમજાવજો…કે ટીબીનું યોગ્ય સારવારથી જ નિર્મૂલન થઈ શકે છે.




