ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે એક આરોપી ઝડપાયો:

પ્રતિનિધિ શહેરા તા 29
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા: પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરાના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેના ભાગરૂપે પંચમહાલ SOG પોલીસ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.પટેલ, SOG ગોધરાના નેતૃત્વ હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.વહોનીયા અને બી.કે.ગોહિલ સહિત SOG સ્ટાફે આ ચોરીના ગુના અંગે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.તા. ૨૦/૦૮/૨૦૨૫ ના રોજ ગોધરા સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૨૧માંથી એક મોબાઈલ ફોન ચોરાયો હતો, જે અંગે ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૫૨૫૦૬૭૧/૨૦૨૫ BNS કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન, SOG ટીમે આરોપી અમિતકુમાર કેશવભાઈ, રહે. હરકુંડી, તા. ગોધરા, જિ. પંચમહાલને ચોરીના ₹૧૦,૦૦૦ ની કિંમતના વીવો કંપનીના એન્ડ્રોઇડ મોબાઈલ ફોન સાથે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી જ પકડી પાડ્યો હતો.આરોપીની વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળતા બદલ પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.






