ANANDANAND CITY / TALUKO

આણંદના એક સામાન્ય સેલ્સમેનની પુત્રીએ 06 નવા આકાશગંગા (ગેલેક્સી) સમુહોને શોધી કાઢી 

આણંદના એક સામાન્ય સેલ્સમેનની પુત્રીએ 06 નવા આકાશગંગા (ગેલેક્સી) સમુહોને શોધી કાઢી

 

તાહિર મેમણ – આણંદ – 28/02/2026 – આણંદ શહેરમાં ૧૩ બાય ૧૩ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં 06 નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. આટલું જ નહી, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

 

આણંદ નગર હવે માત્ર શ્વેતક્રાંતિના જનક માટે જાણીતી ભૂમિ રહી એવું નથી. અહીં વિસ્તરેલી શૈક્ષણિક પ્રવૃત્તિના પરિણામે અનેક યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેમાંથી એક નામ છે એકતા શાહ. તેમની ઉક્ત સિદ્ધિ વિશે જાણવું હોય તો પહેલા તેમના સંઘર્ષ વિશે પણ માહિતી મેળવવી જોઇએ.

 

બાળપણથી જ એકતા બહુ જિજ્ઞાસુ. પોતાની આસપાસ પ્રકૃતિ, પ્રવૃત્તિ અને ઘટનાઓ વિશે તેમના માતા-પિતાને સતત પ્રશ્નો પૂછ્યા કરે. આ આવું કે આવી જ રીતે કેમ ? આવા પ્રશ્નોએ એકતાની વિચારશક્તિ વિકસાવી. અર્જુનભાઇએ પણ તેમને જ્ઞાન હોય એવા પ્રશ્નોના ઉત્તર આપ્યા પણ એકતાને પ્રશ્નો પૂછતા રોકી નહી.

 

એકતાને ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કરવામાં આવી. કારણ કે, પરિવાર સાથે વાતો કરવામાં માતૃભાષા જ અસરકારક હતી અને અર્જુનભાઇ એવું ઇચ્છતા નહોતા કે એકતાની પ્રશ્નો પૂછવાની વૃત્તિમાં ભાષા અવરોધ બને. અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાની ઘેલછા રાખનારા વાલીઓએ આ વાત યાદ રાખવા જેવી છે.

 

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આણંદની એકતા શાહની આ વાતનો સાર એટલો છે કે, તેજસ્વી-ઓજસ્વી છાત્રોને કોઇ આર્થિક અડચણ નથી આવતી. સારુ શિક્ષણ મેળવવા માટે અંગ્રેજી માધ્યમમાં જ બાળકને ભણાવવું આવશ્યક નથી, સૌથી મહત્વનું કે, બાળકની જિજ્ઞાસાને ઠારવાને બદલે માતા-પિતાએ તેના ઉદ્દીપક બનવું જોઇએ.

Back to top button
error: Content is protected !!