ANANDUMRETH

ભાલેજ ગામ નજીક સી.એન.જી પંપ ઉપર રીફિલીંગ સમયે કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ

ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી ગયા. આજુબાજુ ઉભેલી બે કારોને પણ નુકશાનઃ ગેસ સીલીન્ડરમાં બ્લાસ્ટ થતા પંપની છત પણ તુટી ગઈ. સદનશીબે આગ ના લાગતાં મોટી જાનહાની ટળી

પ્રતિનિધિ : ભાલેજ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આણંદ જીલ્લાના ભાલેજ ગામ નજીક આવેલ ચરોતર ગેસના સીએનજી પંપ સવારના સુમારે રીફીલીંગ કરાવવા આવેલી એક ઈકો કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. જેમાં ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. સદનશીબે આગ લાગવાનો કોઈ બનાવ ન બનતા મોટી જાનહાનિ ટળી છે. સમગ્ર ઘટના સંદર્ભે ભાલેજ પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ દાખલ કરેલ છે. સાથે સાથે એફએસએલની મદદથી તપાસ પણ કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટના સંદર્ભે ભાલેજ પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર ઈસ્માઈલનગર ખાતે રહેતો જાવેદશા એ. દિવાનની સામરખા ગામે બેકરી આવેલી છે. આજે સવારના સુમારે તે પોતાની ઈકો કાર નંબર જીજે-૨૩, બીડી-૩૮૭૦ની લઈને ભાલેજ નજીક આવેલા સીએનજી પંપ ઉપર રીફીલીંગ કરાવવા માટે ગયો હતો. જ્યાં રીફીલીંગ કરતી વખતે જ એકાએક ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. ગેસનો સીલીન્ડર ઉછળીને છત પર અથડાતા છત પણ તુટી જવા પામી હતી. નજીકમાં ઉભેલી બે ઈકો કાર પણ ઝપટમાં આવી જતાં તેને પણ નુકશાન થવા પામ્યું હતુ.
જાવેદશા દિવાન કરની નજીક ઊભા હતા જેથી કારના કાચ વાગતા તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામા આવ્યો હતો. ભાલેજ પોલીસને જાણ થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ઘરી હતી. જેમાં પ્રાથમિક રીતે એવી હકિકત બહાર આવી છે કે, ગેસની ટેન્કમાં જ કોઈક ખામી હોવાને કારણે આ બ્લાસ્ટ થયો છે. જો કે આગ લાગવાની ઘટના ન બની તેથી મોટી જાનહાનિ થઇ નથી.આ ઘટના ને પગલે સી.એન.જી પંપને પણ નુકશાન થયેલ છે.દુર્ઘટના કેવી રીતે અને કેમ સર્જાઈ તેની ચોક્કસ તપાસ માટે ચરોતર ગેસ એજન્સીના એન્જિનિયરો સહિત એફ.એસ.એલ ની ટીમને ઘટના સ્થળે બોલાવીને તપાસ કરાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!