આણંદ તબીબી જગતમાં ડૉ. મમતા લાંબાની સિદ્ધિ દર્દી ની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઈ

આણંદ તબીબી જગતમાં ડૉ. મમતા લાંબાની સિદ્ધિ દર્દી ની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઈ

તાહિર મેમણ – આણંદ – 17/05/2026 – તબીબી વિજ્ઞાનના ઇતિહાસની એક વીરલ ઘટના આણંદ ખાતે બની છે. વડોદરાના એક ૧૬ વર્ષીય કિશોરના નાકમાં જોવા મળેલી અત્યંત દુર્લભ એવી ‘ઓસીફાઈંગ ફાઈબ્રોમા ઓફ મિડલ ટર્બિનેટ’ (Ossifying Fibroma of Middle Turbinate) નામની ગાંઠને આણંદના ઈ.એન.ટી. સર્જન ડૉ. મમતા લાંબાએ સફળતાપૂર્વક દૂર કરી છે.
વડોદરાનો આ કિશોર છેલ્લા એક વર્ષથી નાક બંધ થઈ જવું, ભારે નસકોરા આવવા અને શ્વાસ લેવામાં પડતી તકલીફથી પીડાતો હતો. તેની આ તકલીફના કારણે તેણે અનેક નિષ્ણાત ડોક્ટરને બતાવ્યું હતુ, પરંતુ તમામ ડોકટરોએ તેને સામાન્ય મસાની તકલીફ ગણાવી હતી, કોઈપણ ડોકટરથી સાચુ નિદાન- સારવાર ના થતાં અંતે આ કિશોર એ આણંદના ઈ.એન.ટી સર્જન ડૉ. મમતા લાંબા સમક્ષ તેની તકલીફ રજુ કરી હતી. ડૉ. મમતા લાંબા એ કિશોરની વિવિધ રીપોર્ટ્સ કરાવી તેની યોગ્ય તપાસ કરતા કિશોરના CT સ્કેન રિપોર્ટમાં નાકના અંદરના હાડકાના ભાગમાં કેલ્શિયમયુક્ત સખત ગાંઠ (ઓસીફાઈંગ ફાઈબ્રોમા) હોવાનું બહાર આવ્યું હતું. જો આ ગાંઠની સમયસર સર્જરી ન થાય તો કિશોરનો ચહેરો વિકૃત થાય અથવા તો તેની આંખની દૃષ્ટિ પર કાયમી અસર પડી શકે તેમ હતી.
સામાન્ય રીતે ‘ઓસીફાઈંગ ફાઈબ્રોમા’ જડબાના ભાગમાં જોવા મળતી હોય છે, પરંતુ નાકના મિડલ ટર્બિનેટ જેવા ચોક્કસ ભાગમાં આ ગાંઠ હોવી તે અત્યંત વિરલ છે. અત્યાર સુધીના તબીબી વિશ્વના ઇતિહાસમાં આ સ્થાને આવી ગાંઠ હોવાના માત્ર ૬ જ કેસ નોંધાયા છે.
ડૉ. મમતા લાંબાએ આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ કિશોરના નાકની સર્જરી કરી, જેમાં અત્યાધુનિક એન્ડોસ્કોપિક સાઈનસ સર્જરી અને ડિબ્રાઈડર ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિની સૌથી મોટી ખાસિયત એ રહી કે કિશોરના ચહેરા પર એક પણ ચીરો કે કાપો મૂક્યા વગર, નાકના નસકોરા વાટે જ આ ગાંઠ સંપૂર્ણપણે કાઢી લેવામાં આવી છે. ઓપરેશન બાદ કિશોરના ચહેરા પર કોઈ ડાઘ રહ્યો નથી અને તે હવે સામાન્ય રીતે શ્વાસ લઈ શકે છે.
ડૉ. મમતા લાંબાએ તેના આ ઓપરેશન બાદ લોકોને એક સંદેશ આપતા જણાવ્યું હતું કે, નસકોરા કે નાક બંધ રહેવાની સમસ્યાને માત્ર સામાન્ય એલર્જી માની અવગણવી ન જોઈએ, યોગ્ય સમયે નિદાન કરાવવાથી ભવિષ્યની મોટી મુશ્કેલીઓ આપણે ટાળી શકીએ છીએ.





