મહીસાગરજીલલાના દિવડાની પીએમ શ્રી સ્કૂલમાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવના ૨૩માં ચરણનો પ્રારંભ કરાવ્યો
મહીસાગરજીલલાના દિવડાની પીએમ શ્રી સ્કૂલમાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવના ૨૩માં ચરણનો પ્રારંભ કરાવ્યો
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના ૨૩માં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ શ્રી સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રએ આ નેમ દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ ૯માં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા.
.
મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેઈટ ૩૫ ટકા જેટલો હતો તે ઘટાડીને ૦.૮૫ ટકા એટલે કે ૧ ટકાથી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે.
તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે. એટલું જ નહીં, શિક્ષકો પણ જો કોઈ બાળક એકાદ દિવસ ગેરહાજર રહે તો તેના ઘરે જઈને ગેરહાજરીના કારણો જાણે છે. સરકારની વ્યવસ્થાઓમાં જન જનની ભાગીદારી હોય તો સૌને લાભ મળે અને સાથે જ ૧૦૦ ટકા પરિણામ આવે તેવા અભિગમથી તેમણે વાલીઓને પણ SMCમાં સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શુભારંભ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. પહેલાના સમયમાં ધો ૧ થી ૮ સુધીના ૩૫% ડ્રોપ આઉટ રેશિયો હતો તે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન દ્વારા શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવને આગળ ધપાવતા ગુજરાતમાં બાળકોનું ૧૦૦% નામાંકન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે .
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્વાગત ઉદબોધનમાં આદિજાતિ વિસ્તારમાં થયેલા શિક્ષણ ક્ષેત્રના અપ્રતિમ વિકાસની માહિતી આપી હતી .જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.