આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
તાહિર મેમણ – આણંદ – 05/10/2024 – આણંદ મહિલા અને બાળ અધિકારીની કચેરી ધ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આણંદ ખાતે જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જાગૃત મહિલા સંગઠનના પ્રમુખશ્રી આશાબેન દલાલ દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે દિકરા અને દિકરીઓના સામાજીકરણમાં થતી વિવિધતા બાબતે તથા સ્ત્રીઓને જીવનના આવતા વિવિધ સંઘર્ષોને પહોંચી વળવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહિલા પોલીસની શી ટીમ ના એ.એસ.આઈ. નયનાબેન દ્વારા નવરાત્રી દરમ્યાન હોમગાર્ડની બહેનોને રાખવાની થતી સાવચેતી બાબતે, મહિલા અને બાળ અધિકારીની કચેરીના
ફાલ્ગુનીબેને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર આણંદના કાઉન્સેલર શબનમબેન દ્વારા પ્રિ-મેરેજ અને પોસ્ટ મેરેજ અંગે વિસ્તૃત માહિતી, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ફેમીદાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી જ્યારે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલર હેપ્પીબેન પરમાર દ્વારા ૧૮૧ અભયમ હેલ્પલાઈનની માહિતી આપી હતી.
આ તકે મહિલાઓને ૧૮૧ ની એપ્લિકેશન અને સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જી.આર.ડી. હોમગાર્ડની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





