તસ્વીર: કુંજન પાટણવાડીયા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવો પુરાવો ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં જોવા મળ્યો છે. જાખેડ ગામની સીમમાં મહેશ અને કિરણ નામના શખ્સો દ્વારા ખુલ્લેઆમ ચલાવવામાં આવતા દારૂના અડ્ડાઓ પોલીસની નિષ્ક્રિયતા કે પછી ‘રહેમનજર’ સામે આંગળી ચીંધી રહ્યા છે. અહીં દારૂની મહેફિલ માણી રહેલા તત્વોએ ગાળો બોલવાની ના પાડનાર એક ખેડૂત પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરી પંથકમાં સનસનાટી મચાવી દીધી છે
ઉમરેઠના રહેવાસી અને વ્યવસાએ ખેડૂત અરવિંદભાઈ બાબુભાઈ વાઘરી (ઉં.વ. 59) જાખેડ ગામની સીમમાં ભાગે રાખેલ ખેતરમાં પોતાની પત્ની સાથે ઘાસ કાપી રહ્યા હતા. તે સમયે ખેતરની સામે બેઠેલા કેટલાક શખ્સો અંદરોઅંદર ગાળો બોલતા હોવાથી અરવિંદભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાઈને આરોપીઓએ “સાલા વાઘરી તું અમારું શું તોડી લેવાનો છું” કહી જાતિ વિષયક અપમાન કરી હુમલો કર્યો હતો.
- જીવલેણ હુમલો: આરોપી સુનિલ દિનેશ પરમારે લાકડાના ડંડા વડે અરવિંદભાઈના માથામાં ફટકો મારી તેમને બેભાન કરી દીધા હતા.
- પુત્રની વહારે આતંક: પિતાને બચાવવા દોડેલા પુત્ર પ્રકાશને અજય કાંતિ પરમારે માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
- ધમકીનો ખેલ: રણજીતસિંહ વિનુભાઈ ચૌહાણ અને અન્ય અજાણ્યા શખ્સોએ મળીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી
ડાકોર પોલીસે આ મામલે બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સ્થાનિક સ્તરે દારૂના અડ્ડાઓ પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે નિર્દોષ ખેડૂતો ભોગ બની રહ્યા હોવાનો રોષ જોવા મળી રહ્યો છે.





