
પ્રતિનિધિ : સેવાલિયા
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા ચેક પોસ્ટ ઉપરથી છાશવારે દારૂ, હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી પકડાતી રહે છે. ત્યારે મંગળવારે પણ પોલીસે વાહનચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે કેરળના એક ઇસમને ઝડપી પાડયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સેવાલીયા નજીક આવેલી મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે સમયે ભોપાલથી રાજકોટ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં તપાસ દરમિયાન એક ઇસમ પાસેથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે લઈ તેની તપાસ કરતાં 65 ગ્રામ એમડી ડ્રગ્સ હોવાનું માલુમ પડયું હતું. જે ડ્રગ્સ પોલીસે કબજે લઈને કેરળના મહંમદમુબીર સુલેમાન કુંજુ નામના ઇસમને ઝડપી પાડયો હતો. મહંમદની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ ડ્રગ્સ હૈદરાબાદથી લીધું હોવાની કબુલાત કરી હતી. આ ડ્રગ્સનો જથ્થો કોને અને ક્યાં આપવાનો હતો તેને લઈને પોલીસે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે
જથ્થો ઝડપાયો અને એફએસએલની ટીમે ડ્રગ્સ હોવાની પુષ્ટિકરી.
ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા ચેક પોસ્ટ ઉપરથી પોલીસે ડ્રગ્સ જપ્ત કર્યા બાદ તેની પુષ્ટિ માટે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમ દ્વારા તપાસના અંતે જપ્ત કરાયેલ જથ્થો એમડી ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેને લઈને હવે આ મામલાની વધુ તપાસ જિલ્લા કક્ષાએથી આગળ ધપાવવામાં આવશે.
૫ માસ અગાઉ પણ ડ્રગ્સ ઝડપાયું હતું
પાંચ માસ અગાઉ પણ જિલ્લા પોલીસે સેવાલીયા બસ સ્ટેન્ડ પાસેથી પરપ્રાંતિય ઈસમને ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ મહારાજના મુવાડા ચેક પોસ્ટ પરથી છાશવારે વિદેશી દારૂ અને હથિયારો ઝડપાતા હોય છે. મહારાજના મુવાડા ચેક પોસ્ટ પરથી પસાર થતાં અન્ય રાજ્યોના વાહન ચાલકો દારુ હથિયાર અને હવે ડ્રગ્સની પણ હેરાફેરી આજ રૂટ ઉપરથી કરતા હોવાનું જણાઈ આવે છે.





