
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ખંભોળજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. ઉલ્વાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ બચુભા અને પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ બળવંતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સારસા ચોકડી તરફ જનાર છે.
બાતમીના આધારે પોલીસે સારસા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. પોલીસે તુરંત જ ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસ પાછળ હોવાનું જોઈ આરોપીએ સારસા ચોકડી નજીક તપોવન ફાર્મ હાઉસ પાસે ગાડી ઉભી રાખી દીધી હતી. પોલીસે સ્થળ પરથી દયારામ રમેશભાઈ પરમાર (રહે. પરમારવાડા, ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેની સાથેનો અન્ય એક શખ્સ ખેતરોમાં નાસી છૂટ્યો હતો.
પોલીસે ગાડીની તલાશી લેતા નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો:
- વિદેશી દારૂના ક્વાટર: ૧૦૫૬ (કિંમત ₹૨,૧૧,૨૦૦/-)
- બિયરના ટીન: ૪૫૬ (કિંમત ₹૯૧,૨૦૦/-)
- હ્યુન્ડાઈ ક્રેટા કાર: કિંમત ₹૫,૦૦,૦૦૦/-
- કુલ મુદ્દામાલ: ₹૮,૦૨,૪૦૦/-
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના રાજુ જાટ અને વિરેન્દ્રસિંહે મોકલ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી સહિત ત્રણેય વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોને પકડવા માટે તપાસ તેજ કરી છે.
આ સફળ ઓપરેશનમાં પી.આઈ. વી.આર. ઉલ્વા, હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ બચુભા, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ધીરૂભાઈ, કુલદીપસિંહ બળવંતસિંહ અને અક્ષયરાજસિંહ જયવંતસિંહ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.






