વિદ્યાનગર ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

વિદ્યાનગર ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
તાહિર મેમણ – 29-10-2024 – આણંદ – સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે “રન ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની એકતા અને અખંડિતતા ના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે “રન ફોર યુનિટી” યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભાઈ પટેલના અથાક પ્રયત્નો થકી દેશી રજવાડોઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિમાર્ણમાં સિંહફાળો આપ્યો છે. તેમની જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજ્યો છે.
કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી તથા જિલ્લાના પદાધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ફલેગ ઓફ કરાવીને એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત તમામ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનોએ રાષ્ટ્રીય એકતાના શપથ લઈને એકતા દોડમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, અધિક જિલ્લા કલેકટર આર એસ દેસાઈ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જે એન પંચાલ, પ્રાંત અધિકારી, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવોએ ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી”નો પ્રારંભ કરાવ્યો હતો. આ દોડમાં પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગ ટીચરો, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો, સરદાર પટેલ યુનિવર્સિટીના અધિકારી કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.




