ANANDUMRETH

ઉમરેઠ પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ડીઝલ ચોરી કરતી ગેંગના એક ઇસમને દબોચ્યો: અન્ય ત્રણ ફરાર

તસ્વીર:કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ:ઉમરેઠ

ઉમરેઠ પોલિસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ્યારે ઉમરેઠ પોલિસ કર્મીઓ સરકારી વાહન ઉમરેઠ વન મોબાઈલમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા તે દરમ્યાન રાત્રીનાં ૨:૩૫ વાગ્યાનાં સુમારે ઉમરેઠ તાલુકાનાં લીંગડા ગામ પાસેની લીંગડા ચોકડીથી લગભગ એક કિલોમીટરનાં અંતરે એક ટ્રક પાર્ક કરેલી દેખાતા પોલિસ દ્વારા તપાસ કરવાનાં હેતુથી પોલિસ ટ્રક પાસે પહોંચતા ટ્રકની આગળ એક હોન્ડાસીટી કાર ઉભેલી હતી જેમાં બે ઈસમો બેઠા હતા. પોલિસનું સરકારી વાહન હોન્ડાસીટીની આગળ ઉભું રહેતા હોન્ડાસીટીનાં ચાલકે પૂર ઝડપે હંકારી પોલિસનાં સરકારી વાહનનાં આગળનાં ભાગે અથડાવી અને સાઈડમાંથી કાઢી ભાલેજ તરફ નાસી છૂટ્યા હતા ત્યારબાદ સરકારી વાહનમાં બેઠેલા પોલિસકર્મીઓએ બહાર નીકળીને ટ્રક તરફ દોડી જઈને જોયું તો બીજા બે ઈસમો ટ્રકમાંથી ડિઝલ કાઢતા હતા અને તે પણ પોલિસને જોઈને ખેતરોમાં નાસી છૂટતા પોલિસે તેમનો પીછો કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલિસ દ્વારા ઝડપાયેલા ઈસમની પૂછ પરછ કરતા તે ઠાસરા તાલુકાનાં જેસાપુરાનો રહેવાસી હોવાનું તથા બીજા ત્રણ ઈસમો કોટલીંડોરાનાં રહેવાસી હોવાનું જણાવ્યું હતું. હોન્ડાસીટી કાર લઈને ડિઝલ ચોરી કરવા નીકળ્યાં હતા અને આ ટ્રક બગડેલી હોવાથી રોડની સાઈડમાં ઉભી હતી તથા આ ચારેય ઇસમોને જોઈને ટ્રક ડ્રાઈવર નાસી ગયો હોવાનું જણાવ્યું હતુ.
ઉમરેઠ પોલિસે ચોરીનાં સ્થળેથી ભુરા રંગનો કેરબો અને તેમાં આશરે પચ્ચીસ લીટર ડિઝલ તથા પ્લાસ્ટીકની પાઇપ મળીને કુલ ૨૩૧૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બી.એન.એસ. ક્લમ ૩૦૩(૨), ૩૨૪ તથા ૫૪ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

Back to top button
error: Content is protected !!