GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

આનંદો…નવસારી મહાનગરપાલિકાનો પર્યાવરણલક્ષી નિર્ણય, હવે નવા ઈ-વ્હીકલ્સ પર આજીવન વાહન વેરામાંથી મુક્તિ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત પરિવહનને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં હવેથી નવા રજીસ્ટર્ડ થતા તમામ ઇલેક્ટ્રિક વાહનો (E-Vehicles) ને આજીવન વાહન વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પાલિકાના આ નિર્ણયથી શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જે અંતે શહેરના વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરશે.

વર્તમાન નિયમો મુજબ, નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ખરીદવામાં આવતા નવા વાહનો પર ૧% લેખે વાહન વેરો વસૂલવામાં આવતો હતો. જોકે, વધતા જતા પ્રદૂષણ અને ગ્રીન એનર્જીના મહત્વને ધ્યાને રાખીને આગામી બજેટમાં ઈ-વ્હીકલ ધારકોને આ વેરામાંથી મુક્તિ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ જાહેરાતના અનુસંધાને, નવસારી મહાનગરપાલિકાના વહીવટદારશ્રી દ્વારા ઠરાવ નં. ૧૯૭, તા. ૨૭-૦૩-૨૦૨૬ થી આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

આ નવી યોજનાની અમલવારી આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ એટલે કે તા. ૦૧-૦૪-૨૦૨૬ થી શરૂ કરવામાં આવશે. તા. ૧લી એપ્રિલથી નવસારી મહાનગરપાલિકાની હદમાં રજીસ્ટર થતા તમામ નવા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને આજીવન ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે. નવસારી મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા બજેટની જાહેરાત બાદ અત્યંત ટૂંકા ગાળામાં અને વહેલી તકે આ અમલવારી સુનિશ્ચિંત કરવામાં આવી છે, જે શાસન અને વહીવટની તત્પરતા દર્શાવે છે.

નવસારીના નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને પ્રદૂષણ ઘટાડવામાં સહભાગી થવા ખાસ વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણય માત્ર મધ્યમવર્ગીય પરિવારો માટે આર્થિક રાહત સમાન નથી, પરંતુ ‘ક્લીન નવસારી, ગ્રીન નવસારી’ ના સંકલ્પ તરફનું એક મજબૂત પગલું પણ છે. વાહન ખરીદનારા ગ્રાહકોએ હવેથી ઈ-વ્હીકલના રજીસ્ટ્રેશન સમયે પાલિકાના ૧% વાહન વેરાની રકમ ચૂકવવી પડશે નહીં, જેની જાહેર જનતાએ નોંધ લેવી.

Back to top button
error: Content is protected !!