આણંદની આધ્યા અગ્રવાલ એ દિલ્હી ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ કપમાં ૫૦ મીટર રાઇફલ શૂટિંગમાં જીત્યો કાંસ્ય પદક
આણંદની આધ્યા અગ્રવાલ એ દિલ્હી ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ કપમાં ૫૦ મીટર રાઇફલ શૂટિંગમાં જીત્યો કાંસ્ય પદક
તાહિર મેમણ – ડેડીયાપાડા – 04/10/2025 – આણંદની ૨૧ વર્ષીય રાઇફલ શૂટર આધ્યા અગ્રવાલે તાજેતરમાં દિલ્હી ખાતે ૨૦ દેશોના પ્રતિસ્પર્ધી વચ્ચે યોજાયેલી જુનિયર વર્લ્ડ કપ રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં ૫૦ મીટરની રાઈફલ શૂટિંગ શ્રેણીમાં કાંસ્ય પદક મેળવીને આણંદનું ગૌરવ વધાર્યું છે.
આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આધ્યા અગ્રવાલને શૂટિંગમાં ખૂબ જ રસ હોવાથી તે છેલ્લા પાંચ વર્ષથી લજ્જા એકેડમી જીટોડીયા આણંદ ખાતે તાલીમ મેળવી રહી છે. દરરોજ નિયમિત ૬ થી ૭ કલાક પ્રેક્ટિસ કરતી આધ્યાએ અગાઉ કજાકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કે જ્યાં એશિયાના ૧૪ દેશોના પ્રતિસ્પર્ધીઓ સાથે ૫૦ મીટર રાઇફલ શૂટિંગમાં ૯ મો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ પેરુ ખાતે વર્ષ ૨૦૨૪ માં યોજાયેલ જુનિયર વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર રાઇફલ શૂટિંગમાં ૨૫ મો રેન્ક મેળવ્યો હતો. લજ્જા શૂટિંગ એકેડેમીની તાલીમ અને મહેનતના કારણે આધ્યા અગ્રવાલ એ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ કપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર રાઇફલ શૂટિંગમાં કાંસ્ય પદક જીતીને ગુજરાત સહિત આણંદનું નામ રોશન કર્યું છે.
આધ્યા અગ્રવાલએ એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે, હવે મારું લક્ષ્ય સિનિયર વર્લ્ડ કપમાં રમવાનું છે અને હું મારા ૨૧ વર્ષ પૂર્ણ કરીને સિનિયર બની છું, ત્યારે હવે હું સિનિયરમાં રમીશ અને મારું લક્ષ્ય છે કે સિનિયરમાં પણ હું પદક મેળવીને ગુજરાત અને આણંદનું નામ રોશન કરૂં. આ માટે હું દરરોજ નિયમિત લજ્જા શૂટિંગ એકેડમી, જીટોડીયા, આણંદ ખાતે ૭ કલાક જેટલી શૂટિંગની પ્રેક્ટિસ કરું છું અને તાલીમ મેળવી રહી છું. પ્રારંભના દિવસોમાં મને સ્પોર્ટ્સમાં રસ હતો, પરંતુ મારા પિતાએ મને શૂટિંગમાં જવા પ્રેરણા આપી ત્યારબાદ આણંદના લજ્જા ગોસ્વામીએ શૂટિંગમાં પદક જીત્યો હતો તે મારા માટે પ્રેરણા રૂપ બન્યા અને તેમની સાથે મુલાકાત કર્યા બાદ તેમણે મને પ્રોત્સાહિત કરી અને લજ્જા શૂટિંગ એકેડેમીની હું પહેલી સ્ટુડન્ટ બની અને તેમણે મને મારામાં જુસ્સો વધાર્યો એટલું જ નહી પરંતુ તેમણે મને સખત તાલીમ આપી જેના પરિણામે હું જુનિયર વર્લ્ડ કપ ૫૦ મીટર એર રાયફલ શૂટિંગમાં પદક જીતી શકી છું અને ભવિષ્યમાં સિનિયરમાં ૫૦ મીટર એર રાઇફલ શૂટિંગમાં વધુ સારા દેખાવ કરી શકુ તે માટે હું અત્યારથી જ સખત મહેનત કરી રહી છું.