હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
**
અંગોની રાહ જોઈ મૃત્યુની પ્રતીક્ષામાં જીવન જીવતા દર્દીઓની સંખ્યા સામે અંગદાન કરનાર વ્યક્તિઓની સંખ્યા ખૂબ ઓછી છે.
– શ્રી દિલીપ દેશમુખ
**
સાબરકાંઠા જિલ્લાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અંગદાન જાગૃતિ માટે છેલ્લા પાંચ વર્ષથી પ્રયત્નશીલ દાદા ના હુલામણા નામથી જાણીતા શ્રી દિલીપ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશમુખ દાદાએ જણાવ્યું હતું કે, અંગદાન મહાદાન છે જેના થકી અનેક લોકોના જીવન બચાવી શકાય છે. પોતે ૨૦૨૦ માં લીવર ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મેળવી આજે અંગદાનના મહત્વને સમાજના છેવાળાના વ્યક્તિ સુધી પહોંચાડવા માંગે છે. ભારતમાં આજે અનેક લોકો કિડની, લીવર વગેરેની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. એક એક ચિંતાજનક આંકડો બતાવતા તેમણે જણાવ્યું હતું કે, પ્રતિ ૧૦ મિનિટે એક ભારતીય કિડની ફેલ્યોરનો શિકાર બની રહ્યો છે. તેનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે ૭૪ % પેશન્ટમાં ૪૦ વર્ષથી નાની ઉંમરના લોકો આ કિડની ફેલ્યોરના શિકાર બની રહ્યા છે. ડાયાલિસિસ ઉપર હોય તેવા ૫૦% પેશન્ટ કિડનીની પ્રતિક્ષામાં મૃત્યુ પામે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જો ડોક્ટર ઈચ્છે તો આ આંકડામાં પરિવર્તન આવી શકે છે જેના માટે શ્રેષ્ઠ ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, બી.જે મેડિકલ કોલેજ ખાતે ડો.એચ એન. ત્રિવેદી નોફ્રોલોજીસ્ટ જેઓ કેનેડામાં પોતાની પ્રેક્ટિસ છોડી પોતાના દેશના દર્દીઓની સેવાનો ઉદ્દેશ લઈ અમદાવાદમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી. જેણે આજે ૨૦૨૪માં ૪૪૭ થી પણ વધુ કિડની માટે ઓપરેશન કર્યા છે જે બતાવે છે એક ડોક્ટર ધારે તો તે કંઈ પણ કરી શકે છે. આપ સૌ ભવિષ્યના ડોક્ટરો છો.
ઓર્ગન ડોનેશનના મુખ્ય ત્રણ સ્તંભ છે ૧) હોસ્પિટલ ૨) ઓર્ગન રીટ્રાયર અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ત્રીજું અને મુખ્ય સોસાયટી- સમાજ છે. ૯૯% કામ આપના ભાગે આવે છે અને માત્ર એક ટકા કામ જે સમાજનું છે તેને જાગ્રત કરવા તેમજ છેવાડાના વ્યક્તિ સુધી ઓર્ગન ડોનેશનના મહત્વને સમજાવવા માટે આપ સૌ સહભાગી બની જીવનની આશા છોડી અંગોની પ્રતીક્ષામાં આત્મહત્યા કરતા કે મૃત્યુ પામતા લોકોને જીવનદાન આપી શકો છો. એક બ્રેન્ડેડ વ્યક્તિના અંગો થકી અનેક લોકોને જીવન મળ્યા છે જેનું વાસ્તવિક ઉદાહરણ હું પોતે છું. તેમ જણાવી ઉમેર્યું કે, આજે અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું છે આ પ્રસંગે તેમણે ડો. નિલેશ કાછડીયા, ડો. પુનિતા, ડૉ. રામકૃષ્ણ જેવા ડોક્ટરોના કામની પ્રશંસા કરતા જણાવ્યું કે, પોતાના કર્તવ્યને પ્રથમ રાખી દર્દીની સેવામાં તત્પર રહી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને સફળ કરવા માટે દિવસ રાત એક કરી દર્દીને જીવનદાન આપી રહ્યા છે. એમનાથી પ્રેરણા લઈ આપ સૌ ભવિષ્યના ડોક્ટરો અનેક લોકોના જીવન બચાવી શકશો.
વડાપ્રધાન શ્રી દ્વારા ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. આ અમૃતકાલ માં કોઈપણ વ્યક્તિ પૈસાના અભાવે કે અંગોના અભાવે મૃત્યુ ન પામે તે માટે સૌ પ્રયત્નશીલ બનીએ. આજે વડાપ્રધાન શ્રી એ ગરીબ વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ થકી દસ લાખની આર્થિક સહાય આપી છે. જેના થકી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં પણ સહાય મળી રહે છે જે ખૂબ જ પ્રશંશનીય વાત અને સરકારનું ઉમદા પગલું છે.
આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન શ્રી ડો. રાજેશ આસ્તિક, સુપ્રિ. શ્રી ડૉ. આશિષ કતારકર, ડૉ. શીલાદરીયા, ડૉ. બી એચ પટેલ, મેડિકલના વિદ્યાર્થીઓ સ્ટાફ નર્સ તેમજ મેડિકલ કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




