GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં CA અને CS પરીક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

MORBI:મોરબીમાં CA અને CS પરીક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

 

 


મોરબી, ૨૯ જુલાઈ, ૨૦૨૫ – આજરોજ મોરબી જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કોલેજ, મોરબી ખાતે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) અને CS (કંપની સેક્રેટરી) પરીક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સવારે ૯ કલાકથી બપોરના ૧૨:૩૦ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની કોલેજો અને ધોરણ ૧૨ના કોમર્સ પ્રવાહના કુલ ૧૦૫ તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


આ સમગ્ર કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને CA અને CS પરીક્ષાઓ વિશે માહિતગાર કરવાનો અને તેમને આ પરીક્ષાઓની તૈયારી માટે પાયાની જરૂરિયાતો તેમજ આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. શ્રી પ્રજાપતિ સાહેબે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત, મોરબી દ્વારા આ માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં આ પરીક્ષાઓ માટે જરૂરી અભ્યાસ સામગ્રી, પુસ્તકાલયની સુવિધા અને સંદર્ભ માર્ગદર્શન પણ ઉપલબ્ધ કરાવવાના આયોજન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમમાં રાજકોટથી પધારેલા CA અને CSના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને પરીક્ષાના માળખા અને તૈયારીની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. CA શ્રી રાજ મારવાણીયા સાહેબે CA પરીક્ષા વિશે અને CS શ્રી શિવમ ભટ્ટ સાહેબે CS પરીક્ષા વિશે ખૂબ જ સરળ, સાહજિક અને સચોટ માર્ગદર્શન પૂરું પાડી મોરબી જિલ્લાના તેજસ્વી બાળકોને આ પરીક્ષાઓ માટે અભિમુખ કર્યા હતા.
આ સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશ એમ. મોતા સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી પી.વી. અંબારીયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો તેમજ જિલ્લા પંચાયત કચેરીના શ્રી ડી.આર. રામાવતભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આજના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી એસ.આર. બાદી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!