રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢ ખાતે ધ્વજ વંદન : રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું
રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીશ્રીએ પ્રજાજનોને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ભવ્ય ઉજવણી કરાઈ
મંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યો માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાને રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા
સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરોનુ સન્માન કરાયું
જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડ ખાતે આન,બાન અને શાન સાથે રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી
જૂનાગઢ તા.૧૫ રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સ્વાતંત્ર્ય પર્વે પ્રજાજોગ સંબોધન કરતા નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી, આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મંત્રીશ્રીએ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાને જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પર્વના અવસરે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, મહાન ભારત દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓ દ્વારા ૭૮મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સૌ માટે ગૌરવની ક્ષણ છે. એટલું જ નહિ, આપણી આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં જેમના બલિદાનની ગાથા છે એવા નામી-અનામી, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાનો પણ આ અવસર છે.
સ્વતંત્રતાના લાંબા સંઘર્ષમાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાતના સપૂત એવા શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા સહિતના વીરોએ દેશની આઝાદી માટે વિદેશની ધરતી પર જીવન હોમી દીધા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૫૬૨ રજવાડાંઓનું વિલિનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દૃઢ નિર્ણાયકતાને ભારત દેશ ક્યારેય નહીં ભૂલી શકે. ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને પૂજ્ય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે.
ભારતીય સંસ્કૃતિનું આદ્યાત્મિક અને ઐતિહાસિક વિરાસતનું કેન્દ્ર એવા જૂનાગઢનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદીની ચળવળ વખતે જૂનાગઢનાં નવાબે આ પ્રદેશને પાકીસ્તાનમાં જોડવાની જાહેરાત કરી ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધીજી એ જૂનાગઢની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી અને પુષ્પાબહેન મહેતા જેવા આ ભુમિનાં કર્મવીરોને જવાબદારી સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડ્યુ અને ત્રણ મહિનાની આરજી હકુમતની લડાઇ બાદ જૂનાગઢનું ભારત દેશ સાથે જોડાણ થયું હતું. ઇતિહાસની એરણ ઉપર ચળકતા તારલા જેવાં આ જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતમ ઉચાઈ પર લઇ જવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકાર કટિબદ્ધ છે.
રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમા જન-જનને જોડવાનો ઉપક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવ્યો છે. તેમની પ્રેરણાથી “આઝાદી કા અમૃત મહોત્સવ”, “મેરી મીટ્ટી મેરા દેશ” અને “હર ઘર તિરંગા” જેવા અભિયાનોથી “નેશન ફર્સ્ટ”ની ભાવના જન-જનમાં પ્રબળ બની છે. હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશપ્રેમની ભાવના પ્રબળ કરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પર્ફોર્મ, રિફોર્મ, અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે ભારત વિશ્વની ખૂબ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બન્યું છે. હવે વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં આપણે ત્રીજી મોટી આર્થિક તાકાત બનવાનું છે.
મંત્રીશ્રીએ ઘેડ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્ય સરકારે ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે, ઘેડ વિસ્તારમાં લાંબા સમય સુધી ભરાઈ રહેતા આ પાણી ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે આ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ શરૂ કર્યો છે. આ માટે રાજ્ય સરકારે ઘેડ પંથકના સર્વે માટે રૂ. ૫ કરોડની માતબર રકમ ફાળવી છે. આમ, ઘેડ પંથકના લોકોને કાયમી રાહત મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ કદમ લેવામાં આવ્યું છે.
જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય કક્ષાના મગફળી સંશોધન નિર્દેશાલય દ્વારા ૮૦ ટકા ઓલિક એસિડ ધરાવતી બે ઉચ્ચ ઓલિક મગફળીની જાતો ગિરનાર-૪ અને ગિરનાર-૫ વિકસાવી છે. આ હાઈ ઓલીક સીંગદાણાનું તેલ અને સીંગદાણા હૃદયના રોગો માટે ફાયદાકારક છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ લોકોના આરોગ્ય માટે આશીર્વાદરૂપ મગફળી જાતો વિકસાવવા માટે મગફળી સંશોધન નિર્દેશાલયના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૧ લાખ ૨૦ હજારથી વધુ ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક રૂ. ૬૦૦૦ સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે, છેલ્લા ત્રણ હપ્તામાં ખેડૂતોને રૂ. ૭૮ કરોડ ૬૫ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર છે, રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની ૨૨૮ પંચાયત ટીબી મુક્ત જાહેર થઈ છે, જિલ્લાના ૭૫ ટકા દર્દીઓને નિક્ષય મિત્ર યોજના સાથે જોડાણ કરીને દર માસે ટીબીના દર્દીને પોષણ કીટ આપવામાં આવી રહી છે. આ સાથે ટીબીના દર્દીઓને નાંણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ આરોગ્ય કર્મીઓની મહેનતને બિરદાવી હતી.
જૂનાગઢની શોભામાં અભિવૃદ્ધિ કરતું નરસિંહ મહેતા તળાવ પણ નવા રંગ રૂપ પામી રહ્યું છે, આ તળાવ રીડેવલપમેન્ટ થવાથી જૂનાગઢના લોકો અને બહારથી આવતા પ્રવાસીઓને સુવિધાસભર એક ફરવા માટેનું નૂતન સ્થળ પ્રાપ્ત થશે. ઉપરાંત રૂ. ૧૮ કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવના ડેવલોપમેન્ટની પણ કામગીરી પ્રગતિમાં છે. સહેલાણીઓનો ધસારો રહે છે તેવા દર્શનીય વિલીંગ્ડન ડેમ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આવશ્યક સુવિધાઓ ઊભી કરવા અને માર્ગોને પહોળા કરવા માટે રૂ. ૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના હદમાં આવેલ તમામ મિલકતોનું રૂ. ૯.૭૮ કરોડના ખર્ચે G.I.S. બેઝ મેપિંગ કરવામાં આવશે. ઉપરાંત હેરિટેજ બિલ્ડીંગ એવા નરસિંહ વિદ્યા મંદિરનું રુ. ૧૪.૯૧ ખર્ચે નવીનીકરણ પણ કરવામા આવનાર છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો પ્રજાજનોને મળેલા લાભોનાો ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યની માથાદીઠ આવક વર્ષ ૨૦૪૭ સુધીમાં ૩૮ થી ૪૩ હજાર યુ.એસ. ડોલર લઈ જવાનો લક્ષ્યાંક ગુજરાતે રાખ્યો છે. તેમ જણાવતા કહ્યુ કે, આઝાદીના ઘડવૈયાઓએ આપણા હાથમાં મૂકેલું આઝાદીનું વૃક્ષ આજે વિકાસનું વટવૃક્ષ બન્યું છે. ‘વિકસિત ભારત @2047’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. અંતમાં મંત્રીશ્રીએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં લોકોને સક્રિય યોગદાન આપવા માટે આહવાન કર્યું હતું.
આમ, જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ભવ્ય ઉજવણી કરાઇ હતી.
આન,બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત ડોગ શો પણ રજૂ કરવામા આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરો અને સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, આસિસ્ટન્ટ કલેકટર ઐશ્વર્યા દુબે, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, ડીઆરડીએ નિયામક શ્રી જાડેજા, અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા સહિતના પદાધિકારી અધિકારી વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.