અંકલેશ્વરની DCB બેંકમાં ગોલ્ડ લોન કૌભાંડ:નકલી સોના પર ₹16.81 લાખની લોન, મેનેજર અને 2 ગ્રાહકોએ છેતરપિંડી કરી; 2 આરોપીની ધરપકડ



સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની ડીસીબી બેંકમાં નકલી સોનું મૂકી ₹16.81 લાખની ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરવામાં આવી છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ડેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલી ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે રાજપીપળા રોડ પર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટીયા અને વિશાલ પ્રવીણ પઢીયાર સાથે મળીને આ ગુનો આચર્યો હતો. મેનેજર વસાવાએ રતન કસોટીયા અને વિશાલ પઢીયાર દ્વારા બેંકમાં નકલી સોનું મુકાવી ₹16.81 લાખની લોન મંજૂર કરી હતી. આ કૌભાંડનો પર્દાફાશ માર્ચ મહિનામાં થયેલા ઓડિટ દરમિયાન થયો હતો, જ્યારે મૂકેલું સોનું નકલી હોવાનું બહાર આવ્યું હતું. બેંક મેનેજરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઈસમો સહિત ત્રણેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં લોન લેનાર બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.




