
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના શામળાજી મુકામે તા.૦૩.૧૧.૨૦૨૫ થી તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી કાર્તિકી પૂર્ણીમાના મેળા ને લઇ જાહેરનામું પ્રસિદ્ધ
અરવલ્લી જિલ્લાના શામળાજી મુકામે તા.૦૩.૧૧.૨૦૨૫ થી તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી કાર્તિકી પૂર્ણીમાનો મેળો યોજાનાર છે. આ લોક મેળામાં ગુજરાત રાજ્ય તેમજ પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં સ્ત્રી-પુરૂષો ધાર્મિક વિધિ માટે એકઠા થનાર છે.આ મેળામાં શામળાજી પાસે આવેલ મેશ્વો નદીના તટ પર “નાગધરા” નામે પ્રખ્યાત કુંડ આવેલ છે. જેમાં સ્ત્રી/પુરૂષ/બાળકોને વળગેલ વળગાડ નાગધરા” માં સ્નાન કરવાથી દૂર થવાની માન્યતા બહુપ્રચલિત છે. આ “નાગધરા” નામે પ્રખ્યાત કુંડમાં સ્નાન કરતા સ્ત્રી/પુરૂષોને જોવા માટે મેળામાં મોટી સંખ્યાની જનમેદની એકત્રીત થાય છે.જેથી કોઈ અઘટિત બનાવ ન બને તે સારૂ જી.પી.એક્ટની કલમ-૪૩(૧) મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઈ.ચાર્જ પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસાએ દરખાસ્ત કરેલ છે.વાસ્તે ડી. વી. મકવાણા,જી.એ.એસ.,અધિકજિલ્લા મેજિસ્ટ્રેટ, અરવલ્લી-મોડાસા સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૪૩(૧)થી મળેલ સત્તાની રૂએ શામળાજી ખાતે ગામના રહીશો અને મેળામાં આવનાર દરેક વ્યક્તિઓને મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચે મુજબના નિયમોનું પાલન કરવા ફરમાવવામાં આવે છે
(૧) મેશ્વો નદી બે ભાગમાં વહેચવામાં આવશે. ઉપલા ભાગમાં એટલે કે, શામળાજી મંદિર તરફનું પાણી વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો પીવા માટે ઉપયોગમાં લેવું અને નીચેના ભાગનું પાણી ન્હાવા, ધોવા વિગેરેના ઉપયોગમાં લેવું. ગ્રામપંચાયત શામળાજી અને પાણી પુરવઠા બોર્ડએ સંકલનમાં રહી સ્વચ્છ શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની રહેશે
(૨) કોઈ પણ વ્યક્તિએ પીવાના પાણી માટે નકકી કરેલ જગ્યાઓ ઉપર પોતાના વાસણથી પાણી ભરવું નહીં, પરંતુ મજકુર જગ્યાએ મુકવામાં આવેલ ડોલ કે અન્ય પાત્રથી પાણી ભરવું
(૩) મેશ્વો સરોવરના કાંઠેથી ઉત્તરી ભાગમાં સરોવરમાં ન્હાવા, ધોવા કે અન્ય રીતે પાણીનો ઉપયોગ કરવો નહીં
(૪) મંદિરના કુવામાં તેમજ પાણી ભરવાના બીજા કુવામાં ગ્રામ પંચાયતે જરૂરી દવા નાખવી તથા કાદવ કીચડવાળી જગ્યાએ દવા છાંટવી
(૫) મેળામાં જે સ્થળ નક્કી કરવામાં આવેલ છે અને મેળો જે જગ્યાએ ભરાય છે તે જગ્યામાં કે તેની નજીક કોઇ પણ વ્યક્તિ ગંદકી કરી શકશે નહીં
(૬) સડી ગયેલા ફળો તેમજ મનુષ્યને ઉપયોગમાં લેવા માટે લાયક ન હોય તેવા ખોરાક તેમજ પીણાં વેચવા નહી અને જો આ પ્રકારના સડી ગયેલા ફળો, ખોરાક તથા પીણાં જોવા મળે તો હાજર રહેલા સેનેટરી ઇન્સ્પેકટર તેમજ ફરજ બજાવતા પોલીસ કર્મીઓ નાશ કરી શકશે
(૭) ફરજ ઉપર હાજર રહેલા સેનેટરી ઇન્સ્પેકટરો દ્વારા હોટલ/લોજના માલિકોને તથા બીજા દુકાનદારોને અપાયેલ ચોખ્ખાઈ, તંદુરસ્તીને લગતી તથા અન્ય સુચનાઓનો ઉપર દર્શાવેલ એકમોના માલીકોએ તાત્કાલિક અમલ કરવાનો રહેશે
(૮) મેળામાં આવનાર દરેક વ્યક્તિ શારીરિક તપાસને પાત્ર રહેશે અને કોઈ વ્યક્તિને પ્લેગ, બળીયા,કોલેરા અગર બીજા કોઇ ચેપી રોગો થયેલા જણાશે તો તેને ત્યાંથી તુર્ત જ જુદા રાખવામાં આવશે અથવા તેઓએ મેળાનું સ્થળ તાત્કાલિક છોડી દેવું પડશે
(૯) કોઇ પણ વ્યક્તિએ વાવમાંથી પાણી ભરવા વાવમાં ઉતરવું નહીં
(૧૦) મેળામાં નાગધરાના સ્થળે બહેનો સ્નાન વિધી સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી કરી શકશે. આ સિવાયના સમયે આ સ્થળે બહેનો સ્નાન કરી શકશે નહીં.
(૧૧) ઉપરોકત સ્નાન વિધીમાં પુરૂષો તેમજ સ્ત્રીઓએ અલગ-અલગ નક્કી કરેલા સ્થળોએ સ્નાન વિધી કરવાની રહેશે. જેમાં સ્ત્રીઓ માટે નક્કી કરેલા વિભાગમાં કોઇ પુરૂષ પ્રવેશ કરી શકશે નહીં. બહેનો તેમની સાથે તેમના નાની ઉંમરના બાળકોને લઇ જઇ શકશે.
(૧૨) સ્નાન વિધી દરમિયાન મહિલાઓની ફોટોગ્રાફી/વીડીયોગ્રાફી/મોબાઇલ ફોટોગ્રાફી રેકોર્ડીંગ કરી શકશે નહીં અને સ્નાન વિધીના સ્થળે કેમેરા અથવા વીડીયો ગ્રાફીના સાધનો કે તેવી સુવિધાયુકત મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહીં.ઉપરોકત બતાવેલ નિયમોનો કોઇ પણ વ્યક્તિ ભંગ કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમની ક્લમ-૧૩૯ મુજબની શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામા અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા, ક્ષેત્રાધિકાર ધરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ સત્તા અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૯ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.સમયગાળો:-આ જાહેરનામું તા.૦૩.૧૧.૨૦૨૫ના ૦૦-૦૦ કલાકથી તા.૦૫.૧૧.૨૦૨૫ના ૨૪-૦૦ કલાક સુધી અમલમાં રહેશે.





