પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના અન્વયે બેઠક યોજાઈ
તા.૨૪ માર્ચથી તા.૨૯ માર્ચ દરમિયાન જિલ્લાના ૦૬ સ્થળોએ તાલુકા દીઠ અસેસમેન્ટ કેમ્પનું આયોજન
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અન્વયે ALIMCOના સહયોગથી પંચમહાલ જિલ્લાના વયોવૃદ્ધ નાગરિકોને સાધન સહાય આપવાના ઉદ્દેશ્યથી આગામી તા.૨૪/૦૩/૨૫ થી તા.૨૯/૦૩/૨૫ સુધીના સમયગાળામાં એસેસમેન્ટ કેમ્પના આયોજન અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અન્વયે અસેસમેન્ટ કેમ્પના સુચારૂ આયોજન તથા યોગ્ય વ્યવસ્થા કરવા અર્થે સબંધિત વિભાગીય અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા બી.પી.એલ. કાર્ડ ધારક અથવા રૂ. ૧,૮૦,૦૦૦ થી ઓછી વાર્ષિક આવક ધરાવતા વયોવૃદ્ધો માટે ALIMCOના સહયોગથી નિઃશુલ્ક સહાય ઉપકરણ અર્થેના અસેસમેન્ટ કેમ્પનું દરેક તાલુકામાં સવારે ૧૦-૦૦ કલાકથી બપોરના ૦૨-૦૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત કેમ્પનું આયોજન મોરવા તાલુકામાં તા.૨૪ મી માર્ચના રોજ પુષ્પદીપ હાઇસ્કુલ મોરવા હડફ ખાતે, કાલોલ તાલુકામાં તા.૨૫ મી માર્ચના રોજ એમ.એમ.એસ.વિદ્યામંદિર દેલોલ ખાતે, ગોધરા તાલુકામાં તા.૨૬ મી માર્ચના રોજ છબનપુર પ્રાથમિક શાળા ગોધરા ખાતે, શહેરા તાલુકામાં તા.૨૭ મી માર્ચના રોજ મોડેલ સ્કૂલ કાકરી રોડ શહેરા ખાતે, હાલોલ તાલુકા અને જાંબુઘોડા તાલુકામાં તા.૨૮ મી માર્ચના રોજ રેફરલ હોસ્પિટલ હાલોલ ખાતે તથા ઘોઘંબા તાલુકામાં કેમ્પનું આયોજન તા.૨૯ મી માર્ચના રોજ પ્રાથમિક શાળા ઘોઘંબા ખાતે કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ભાગ લેનાર ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમરના વયોવૃદ્ધ નાગરિકોએ તેમની સાથે આવકનો દાખલો અથવા બીપીએલ રાશન કાર્ડ અને તેમના આધાર કાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે તેમ જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં ભાગ લેનાર ૬૦ કે તેથી વધુ વયના નાગરિકો માટે વોકિંગ સ્ટિક વિથ સીટ, હિયરિંગ એઇડ/ શ્રવણ સહાય, ક્રૉચ, ટ્રાયપોડ, ટેટ્રાપોડ, વ્હીલ ચેર, વોકર, વૉકિંગ સ્ટીક, કમોડ સાથે વ્હીલ ચેર, કમોડ સાથે ચેર/સ્ટૂલ, ફુટ કેર યુનિટ, સ્પાઇનલ સપોર્ટ, એલએસ બેલ્ટ સહિતના ઉપકરણની જરૂરિયાતનું અસેસમેન્ટ કરવામાં આવશે અને સફળતાપૂર્વક અસેસમેન્ટ પૂર્ણ થયા બાદ ALIMCO દ્વારા સહાય ઉપકરણ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
**********