
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે વાર્ષિકોત્સવ સંસ્કૃતિ સંગમ ઇનામ વિતરણ સમારોહ યોજાયો,
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા ખાતે તા.27-02-2026ના રોજ ‘સંસ્કૃતિ સંગમ’ ૧૮મો વાર્ષિક મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઈનામ વિતરણ તથા ટી.વાય.બી.એ. તથા ટી.વાય.બી.એસસી.ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પધારેલ મહેમાનશ્રીઓ આદરણીય શ્રી ભરતભાઈ વસાવા(નિવૃત્ત IAS), ડૉ. શૈલેન્દ્રસિંહ જી. માંગરોલા (આચાર્ય, શ્રીમહારાજા રાજેન્દ્સિંહજી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, રાજપીપળા), ડૉ. દિલીપભાઈ વસાવા (કેમેસ્ટ્રી વિષયના મ.પ્રા., ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) અને કૉલેજના આચાર્યશ્રી અનિલાબેન કે. પટેલની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કૉલેજની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમમાં ડૉ. રીતેશકુમાર પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત થકી અતિથિઓને આવકાર આપ્યો હતો.
18માં વાર્ષિક ઉત્સવ પ્રસંગે અત્રેની કૉલેજના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી કાર્યક્રમમાં ઉત્સાહવર્ધન કર્યું હતું. અત્રેની કૉલેજના વિદ્યાર્થી પ્રતિનિધિ અબ્દલ મહમંદવારિસ દ્વારા વિદ્યાર્થીલક્ષી અહેવાલનું વાંચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડૉ. બરખાબેન વળવી દ્વારા અધ્યાપકોનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર વર્ષ દરમિયાન અધ્યાપકો દ્વારા થયેલ શૈક્ષણિક અને સંસ્થાની પ્રગતિ દર્શાવવામાં આવી હતી. અત્રેની કૉલેજના વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના ત્રણ વર્ષના અભ્યાસકાળ સાથે સંકળાયેલી સ્મૃતિઓ વિશે અત્રેની કૉલેજના વિદ્યાર્થી પ્રતિનિધિ જી.એસ. ટીશા વસાવા તથા અબ્દલ મહમંદવારિસે પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા.
સદર કાર્યક્રમમાં અતિથિ ડૉ. દિલીપભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અતિથિ વિશેષ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસકાળમાં સમયનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર અને સંસ્થાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફીથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના ઉદ્ઘાટક ભરતભાઈ વસાવા દ્વારા પોતાના જીવનના સંઘર્ષ અને પ્રસંગો દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જીવનની મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો તે સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના દ્વિતીય પડાવમાં વિદ્યાર્થીઓ દ્વારા નિયત થયેલ “સંસ્કૃતિ સંગમ” થીમ અનુસાર ભારત દેશના વિવિધ રાજ્યો, તેમની એક્તા અને સંસ્કૃતિ આધારિત 16 સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમના સંયોજક ડૉ. રીતેશકુમાર પરમાર હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. ધર્મેશકુમાર વણકર તથા ડૉ. બરખાબેન વળવી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે જિજ્ઞેશકુમાર શિંગોડ દ્વારા આ કાર્યક્રમની આભારવિધિ પ્રસ્તુત કરી રાષ્ટ્રગાન સાથે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.




