
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેમ વ્યુ પોઈન્ટ ખાતે પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની. લી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા એકતાનગરના આંગેણે આયોજિત આ મેળો તા.૨૬મી ડિસેમ્બર-૨૦૨૪થી પાંચમી જાન્યુઆરી-૨૦૨૫ સુધી યોજાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ- એકતાનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની.લી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૪નો પ્રાભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો આગામી તારીખ પાંચમી જાન્યુઆરી-૨૦૨૫ સુધી ચાલશે. ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાંથી ૫૫ સ્વસહાયજૂથોની ૧૦૦ જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવશે. મંત્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરસ મેળાને રિબીન કાપીને ખુલ્લો મૂકાયો હતો.
આ પ્રાદેશિક સરસ મેળામાં ગુજરાતના 33 જિલ્લાના જુદા-જુદા ગામના કુલ ૫૫ સ્વ-સહાય જુથના બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણથી આજીવિકાની ઉત્તમ તક પુરી પાડવા અને ગ્રાહકોને અવનવી વસ્તુ ખરીદવાની ઉત્તમ તક મળી રહેશે. જેમાં હેન્ડલુમ, હેન્ડીકાફ્ટ, વાંસની બનાવટ, ગૃહસુશોભન માટેની વસ્તુઓ, જૂટની બનાવટ, જ્વેલરીની બનાવટ, વણાટકામની વસ્તુઓ, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, દોરી વર્કની બનાવટ, ઓર્ગેનિક સાબુ સેમ્પુ, સીઝનેબલ મસાલા અને અથાણા, ફુડ પ્રોડક્ટ, મધની બનાવટ, ખાસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થતા મીલેટ્સ પ્રોડક્ટ ઓર્ગેનિક લાલ ચોખા, મોર્યુ, હરદળ, નાગલી જેવી ચીજ વસ્તુઓનું બહેનો દ્વારા સીધું જ વેચાણ આ મેળામાં કરવામાં આવે છે.




