
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ : વીજતંત્રની બેદરકારીનો વધુ એક દાખલો, ઘરના સિલીંગમાં વીજપોલ જમાવવાની ફરજ પડી – વિકસતિ ગુજરાતનું જોરદાર મોડલ એક આ પણ જોઈલો..!!!
મેઘરજ : મેઘરજ તાલુકામાં વીજતંત્રની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અવારનવાર ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો દ્વારા વીજતંત્રની બેદરકારી અંગે ફરિયાદો કરવામાં આવે છે, છતાં સમસ્યાઓનું સમયસર નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ચોંકાવનારો બનાવ મેઘરજ તાલુકાના ઈપલોડા ગામનો છે, જ્યાં એક ઘરમાલિકના ઘરના બિલકુલ આગળ વીજપોલ ઉભો કરવામાં આવ્યો હતો. ઘરમાલિકને ઘર બાંધકામ કરવાની જરૂરીયાત ઊભી થતાં વીજપોલ ખસેડવા માટે વીજતંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વીજતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
અંતે મજબૂરીવશ ઘરમાલિકને ઘરના સિલીંગ (ધાબા)ના ભાગમાં જ વીજપોલ સાથે સિલીંગ ભરવી પડી, જેના કારણે ઘરમાલિકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈપલોડા ગામના ઘરમાલિક સિપાઈ આમિનભાઈ અમીરભાઈ દ્વારા વીજતંત્ર મેઘરજ ખાતે લેખિત અરજી પણ કરવામાં આવી છે, છતાં આજદિન સુધી ઘરના આગળનો વીજપોલ ખસેડવામાં આવ્યો નથી.ઘટનાની સામે આવેલી તસ્વીરો જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે અને ચર્ચા ઉઠી છે કે, “શું આ જ વિકસિત ગુજરાતનું વિકસિત મોડલ છે?” સમગ્ર ઘટનાથી વીજતંત્રની ગંભીર બેદરકારી સ્પષ્ટ થઈ રહી છે.હાલ ઘરમાલિકને ઘરના બાકી રહેલા કામકાજ પૂર્ણ કરવાના હોવાથી, તાત્કાલિક ધોરણે વીજપોલ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાને પણ નકારી શકાય નહીં.




