અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સ્ટીલ બ્રિજ, ડ્રોન વીડિયો:ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર 1400 ટનનો 100 મીટર લાંબો બ્રિજ લોન્ચ, તામિલનાડુથી ખાસ ટ્રેઈલર્સમાં પાર્ટ્સ લવાયા
સમીર પટેલ, ભરૂચ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે ગુજરાતના ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFCC) પર 100 મીટર લાંબો અને 1400 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ પુલ “મેક ઈન ઇન્ડિયા” અભિયાન હેઠળ તામિલનાડુના ત્રિચી ખાતે તૈયાર કરવામાં આવ્યો હતો અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા ગુજરાત સુધી લાવવામાં આવ્યો હતો.
સ્ટીલ બ્રિજની લંબાઈ 100 મીટર, ઊંચાઈ 14.6 મીટર તથા પહોળાઈ 14.3 મીટર છે. 1400 મેટ્રિક ટન વજનનો બ્રિજ 100 વર્ષની આયુષ્ય ધરાવે છે.
આ પુલના નિર્માણમાં 55,300 ટોર્ક-શીયર હાઇ સ્ટ્રેન્થ બોલ્ટ્સ (TTHS) અને એલાસ્ટોમેરિક બેરિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેઇન્ટિંગ માટે સી5 કોટિંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જે પુલને લાંબા સમય સુધી જંગમુક્ત રાખે છે.
પુલને 84 મીટર લાંબા અને 600 ટન વજનના ખાસ ડિઝાઇન કરાયેલા લોન્ચિંગ નોઝના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો હતો. પુલનું એસેમ્બ્લી કાર્ય જમીનથી 18 મીટર ઊંચા તાત્કાલિક ટ્રેસલ્સ પર પૂર્ણ કરાયું હતું. 250 ટન ક્ષમતા ધરાવતા અર્ધ-સ્વચાલિત બે જેક્સ વડે પુલને તેની નિર્ધારિત જગ્યાએ ખેંચી મુકવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં મેક-એલોય બાર્સનો ઉપયોગ પણ થયો હતો.
DFCC પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવતો આ આઠમો સ્ટીલ પુલ છે. સમગ્ર કોરિડોર માટે કુલ 17 મુખ્ય અને 28 નાના સ્ટીલ પુલોની રચના થવાની છે, જે પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ માળખાકીય પ્રગતિ દર્શાવે છે.
લૉન્ચિંગ પ્રક્રિયા દરમિયાન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ટ્રેક્સ પર તબક્કાવાર ટ્રાફિક બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન માલવાહક ટ્રેનોના સંચાલનમાં ઓછી ખલેલ પડે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
DFCCના આ પુલના સફળ લૉન્ચિંગ સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક વધુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત થયો છે. આ પ્રોજેક્ટ “મેક ઈન ઇન્ડિયા” અભિયાનને મજબૂત બનાવે છે અને ભારતના આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી દિશા દર્શાવે છે.